વીરનગર હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 9 દર્દીઓને અંધાપાની અસર
તા.23ના રોજ 30 દર્દીઓના ઓપરેશન કરાયા બાદ ઘટના બની : ગાંધીનગરથી ટીમો દોડી, ઓપરેશન થિયેટર સીલ
રાજકોટ : રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર વીરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ગત તા.23ના રોજ 32 મોતિયાના દર્દીઓના ઓપરેશન બાદ 9 દર્દીઓને અંધાપાની અસર થઇ હોવાના આરોપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ગંભીર બાબતે રાજકોટ જિલ્લા પંચાયત ઉપરાંત ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમો પણ દોડી આવી હોવાનું અને હાલમાં વીરનગર હોસ્પિટલનું ઓપરેશન થિયેટર પણ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષોથી નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરતી ડો.શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર સંસ્થા દ્વારા મહુવા કુબેરનાથ મંદિર ખાતે કેમ્પ યોજી 21 દર્દીઓને ઓપરેશન કરવાની જરૂરત હોવાથી વીરનગર હોસ્પિટલ ખાતે તા.23ના રોજ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તા.23ના રોજ મહુવાના 21 સહિત કુલ 32 દર્દીઓના મોતિયોના ઓપરેશન કરવામાં આવ્યા હતા જે પૈકી નવ દર્દીઓને ઇન્ફેક્શનને કારણે આંખમાં દેખાવામાં તકલીફ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં 7 દર્દીઓને વધુ તકલીફ પડતા અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા અને તે પૈકીના 5 દર્દીઓ પરત વીરનગર અને બે દર્દીઓ અમદાવાદ સારવાર માટે ગયા હતા.
બીજી તરફ તા.23ના રોજ મોતિયાના ઓપરેશન બાદ 9 દર્દીઓને ઈંફેક્શનનો મામલો સામે આવ્યો છે ત્યારે તા.24ના રોજ વીરનગર ખાતે 50, તા.25ના રોજ 65 અને 26ના રોજ 67 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા જે પૈકી અન્ય કોઈપણ દર્દીઓને સમસ્યા ન હોવાનું સામે આવ્યું છે ત્યારે 9 દર્દીઓને ઓપરેશન બાદ ઇન્ફેક્શન મામલે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે વીરનગર હોસ્પિટલનું ઓપરેશન સેન્ટર સીલ કરી દીધું છે ઉપરાંત ગાંધીનગરથી આવેલી ટીમોએ પણ વીરનગર કહતે તપાસ કરી ટીપા, અને અન્ય મેડિસિનના સેમ્પલ લીધા હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, સમગ્ર મામલે રાજકોટના દર્દી પ્રવીણ પીતામ્બરભાઈ નામના વ્યક્તિએ મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર હોવા અંગે હોસ્પિટલ સામે આરોપો લગાવ્યા હતા.
મોતિયાના દર્દીઓને ઇન્ફેક્શન થયું હોવાનું સ્વીકારતું શિવાનંદ મિશન
વર્ષ 1981થી કાર્યરત શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા ગામે -ગામ કેમ્પ યોજી ગરીબ-અમીર તમામ લોકોને હોસ્પિટલના ખર્ચે લાવવા અને મુકવા જવાની સુવિધા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે ત્યારે તા.23ના રોજ ઓપરેશન બાદ કુલ નવ દર્દીઓને ઇન્ફેક્શન આવવાની ઘટના સ્વીકારી હતી. શિવાનંદ મિશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મેહતાએ જણાવ્યું હતું કે, નવ દર્દીઓ પૈકી 5 દર્દીઓ હાલમાં વીરનગર ખાતે પરત આવી જતા તેઓની સારવાર ચાલી રહી છે.
વીરનગર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9.08 લાખ ઓપરેશન થયા છે
વીરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ નિસ્વાર્થ સેવા માટે માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ખ્યાતિ પામી છે ત્યારે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વીરનગર ખાતે 1981થી અખંડ સેવાજયોત ઝળહળે છે અહીં અત્યાર સુધીમાં 9.08 લાખ મોતિયાના ઓપરેશન થયા છે અને કુલ મળી 50 લાખથી વધુ દર્દીઓની સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. સાથે જ વીરનગર ખાતે ઓપરેશન માટે આવતા દર્દીઓને લાવવા મુકવા તેમજ રહેવાની પણ સુવિધા સાથે દરરોજ અહીં 1000 લોકોને ભોજન પીરસવામાં આવતું હોવાનું તેમને ઉમર્યું હતું.