- ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના રિંગરોડ-૨ને ૧૨.૬૮ કરોડના ખર્ચે પહોળો કરાશે: ટેન્ડર પ્રસિદ્ધ કરતું
રૂડા'
રાજકોટ શહેરની સાથે જ ભાગોળે પણ વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોય સૌથી વધુ મુશ્કેલી ટ્રાફિકને લઈને પડી રહી છે. વાહનોમાં વધારો થવા ઉપરાંત રાજકોટની ભાગોળના રસ્તે મોટા વાહનોની અવર-જવર વધી રહી હોવાથી રસ્તા પહોળા કરવાની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રસ્તા પહોળા કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કણકોટ ચોકડીથી કોરાટ ચોક સુધીના રસ્તાને ફોર-લેન કરવાની જાહેરાત
રૂડા’ની બોર્ડ મિટિંગમાં કરાયા બાદ હવે આ કામ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા રિંગરોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડથી ભાવનગર રોડ) મહાપાલિકાની હદ સુધીના ૪૫ મીટર ડીપી રોડને પહોળો કરવા માટે ૧૨.૬૮ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિંગરોડ-૨, ફેઝ-૨ અંતર્ગત કણકોટ ચોકડીથી કોરાટ ચોકને ફોર-લેન કરવાના કામનું ૫૧.૬૩ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જ્યારે કણકોટ ચોકડીથી કોરાટ ચોક સુધી રૂડા વિસ્તારમાં આવતાં બ્રિજના ભાગ સુધીના રસ્તાને ફોર લેન કરવા માટેનું ૧૪.૬૮ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ત્રણેય ટેન્ડર ભરવાની અંતિમ તારીખ ૧૮ ઑક્ટોબર રાખવામાં આવી છે.