IIFA-2024 : અબુધાબીમાં આજે બોલીવુડ સ્ટાર્સનો જમાવડો…શાહરૂખ, વિક્કી કૌશલ અને કરન જોહર કરશે હોસ્ટ
બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA 2024ની અબુધાબીનાં યેસ આઈસલેન્ડ ઉપર શરૂઆત થઇ ગઈ છે. ઝાકઝમાળભર્યા આ એવોર્ડ સમારોહને શાહરૂખ ખાન, વિક્કી કૌશલ અને કરણ જોહર હોસ્ટ કરી રહ્યા છે.આ એવોર્ડ શો 27 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 29 સુધી ચાલશે. આજે શનિવારે સાંજે મુખ્ય એવોર્ડ સમારોહ છે અને તેમાં અનેક કલાકારો પરફોર્મ કરશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.

3 દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ અબુ ધાબી પહોંચ્યા છે. અહીં શાહરૂખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રેખા પણ આઈફા 2024માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિગ્ગજ અભિનેત્રી રેખા 22 મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. આટલું જ નહીં રેખાની પાછળ 150થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર જોવા મળશે.

વર્ષ 2018 માં, રેખાએ આઈફા એવોર્ડ્સમાં તેનું સુપરહિટ ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રજૂ કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉંમરે પણ રેખાનો જુસ્સો ઓછો થયો નથી. હવે રેખા અબુ ધાબીમાં તેના 22 મિનિટના ડાન્સ પરફોર્મન્સથી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.
બૉલિવૂડની મોટા ભાગની હસ્તીઓ અબુ ધાબી પહોંચી છે.શાહરૂખ ખાન પણ અબુ ધાબીમાં પહોંચ્યા છે.એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની સિક્યોરિટી સાથે એન્ટર થયા હતા. શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. આ ઉપરાંત કૃતિ સેનન, શહીદ કપૂર, વિક્કી કૌશલ, ઉર્વશી રૌતેલા, બોબી દેઓલ, રેખા, અનન્યા પાંડે, સિધાંત ચતુર્વેદી, શિલ્પા રાવ, અભિષેક બેનર્જી વગેરે પણ પહેલા દિવસે જ પહોંચી ગયા હતા. રેખા ઉપરાંત શહીદ કપૂર અને કૃતિ સેનન પણ પરફોર્મ કરવાની છે.
આજે આઈફા ઉત્સવમ સાથે આ એવોર્ડ સમારોહની શરૂઆત થઇ હતી. મુખ્ય સમારોહ શનિવારને તા. ૨૮મીએ થશે. રવિવારે છેલ્લા દિવસે આઈફા રોક્સની પરફોર્મન્સ થશે. આજે આઈફા ઉત્સવમમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સિનેમાના યોગદાન માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને યાદ કરવામાં આવી હતી. મેગાસ્ટાર ચિરંજીવીને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડનું પ્રસારણ સોની ટીવી, સ્ટાર પ્લસ, કલર્સ ઉપર થશે. આ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ ઉઓપ્ર ઝી5 ઉપર પણ સ્ટ્રીમ થશે. શનિવારે રેડ કાર્પેટ કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે શરુ થશે અને મુખ્ય કાર્યક્રમ ૭-૩૦ વાગ્યે શરુ થશે.