કાશ્મીરમાં ચુંટણી રકતરંજીત કરવાનું ISI-આતંકીઓનું કાવતરું : ગુપ્તચરોનો અહેવાલ…પોકમાં આતંકીઓના કેમ્પમાં બેઠકો : મોટા પાયે હુમલાની તૈયારી
જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે છેલ્લા તબક્કાનું 1 લી ઑક્ટોબરનું મતદાન બાકી છે. આ દરમિયાન ઘાટીમાં આતંકવાદી ખતરો પણ મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ આતંકવાદીઓની મદદથી ઘાટીના વાતાવરણને ઝેરી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુપ્તચર વિભાગે જમ્મુ-કાશ્મીરને લઈને એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. લશ્કર-એ-તૈયબા, જૈશ અને હિઝબુલના આતંકવાદીઓ પીઓકેમાં કેમ્પ કરી રહ્યા છે. આ આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને તબાહી મચાવવાની યોજના બનાવી રહ્યા છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના એક જૂથ સાથે ભારત વિરોધી બેઠક યોજી છે. આ એલર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઈએસઆઈના પ્રતિનિધિએ 29 ઓગસ્ટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં કેવી રીતે પ્રવેશ કરવો, કેવી રીતે અને ક્યાં પાયમાલી કરવી તે અંગેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.
એલર્ટ અનુસાર, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 થી 3 આતંકવાદીઓનું એક જૂથ પોકના દુધિનાલ સેક્ટરથી કુપવાડા સેક્ટરમાં પ્રવેશ્યું છે. એટલું જ નહીં, પોક સ્થિત ગબદોરી ગામમાં લૉન્ચ પેડ પર જૈશ-એ-મોહમ્મદના 5 થી 6 આતંકવાદીઓ હાજર છે. આ તમામ આતંકવાદીઓ એકે શ્રેણીના હથિયારો, પિસ્તોલ અને ગ્રેનેડથી સજ્જ છે. તેઓ ગમે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. આ તમામ આતંકીઓ ઘાટીમાં આતંકી ઘટનાઓને અંજામ આપવા માંગે છે.
દેખીતી રીતે, ગુપ્તચર એજન્સીઓના આ મહત્વપૂર્ણ ઇનપુટથી ફરી એકવાર પાકિસ્તાન અને આઇએસઆઈનો ચહેરો ખુલ્લો પડી ગયો છે જેમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આતંકવાદીઓને પ્રોત્સાહન અને પોષણ આપી રહી છે. આઈએસઆઈ ભારત વિરુદ્ધ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે. જો કે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ ફુલ એલર્ટ મોડમાં છે. દરેક આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સૈનિકો સતર્કતાથી સરહદ પર તૈનાત છે.
- જૈશ- હિઝબુલ સામે એક્શન માટે ભારતને ટેકોબ્રાઝિલ અને સાઉથ આફ્રિકાએ પણ પગલાંની વાત કરી
દરમિયાનમાં કાશ્મીરમાં હિંસા ફેલાવવા અને આતંકીઓને મોકલીને હુમલા કરાવતા રહેલા પાક સ્થિત આતંકી સંગઠનો જૈશ અને હિઝબુલ મુજાહેદીન સામે આકરા પગલાં લેવાની જરૂર છે તેવો મત હવે બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાએ પણ વ્યક્ત કર્યો છે અને ભારતના વલણને ટેકો જાહેર કર્યો છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોનો પહેલાથી જ આ બાબતમાં ટેકો મળેલો છે. વિદેશ મંત્રી જયશંકર દ્વારા બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે આ બાબતે બેઠક થઈ હતી. આમ હવે ભારત આતંકી સંગઠનો સામે આક્રમક પગલાં ભરશે તે નિશ્ચિત છે.