પોલીસનો ડર છે ? જો હોય તો આવી ‘પાર્ટી’ ન થાય
નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે નબીરાઓએ વૈભવી કારોના બોનેટ પર કેક કટિંગ અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી : માર્ગ પર કારથી સ્ટંટ કરી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં નબીરાઓને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે.પોલીસને સીધો પડકાર ફેકીને નબીરાઓ દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે જાહેરમાં વૈભવી કારોના બોનેટ પર કેક કટિંગ અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતાં હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. નબીરાઓએ મિત્રના જન્મદિવસની કંઈક એ રીતે ઉજવણી કરી કે, જેનાથી અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી અને મેઇન સર્કલ પર સ્પીડમાં કારને ફેવીને ચક્કર લગાવ્યા હતા અને બાદમા કારના બોનેટ પર કેક રાખી જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં કર્યું હતું. જો કે, આ વીડિયો સામે આવતા પોલીસ ધંધે લાગી છે અને કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરવામા આવી છે.જ્યારે આ મામલે એક નબીરાની અટકાયત પણ પોલીસે કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડીથી જામનગર રોડ ઉપરના ઈશ્વરિયા સુધીના નવા 150 ફૂટ રિંગ રોડ પર 5 જેટલી કાર જોખમી સ્ટંટ કરી જન્મ દિવસની ઉજવણી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વિડીયો રાજકોટના દિગપાલસિંહ જાડેજા નામના યુવકની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકવામાં આવ્યો હતો. વિડીયોમાં તેઓ રોડ બ્લોક કરી નાંખતા સ્થાનિકો સહિતના લોકોને મુશ્કેલી સાથે ભય પણ છવાયો હતો. વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને એસીપી રાધિકા ભારાઇએ યુનિવર્સિટી પોલીસને તપાસના કરી ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી હતી.અને આજ સાંજ સુધીમાં તમામની ધરપકડ કરી તમામ કારને કબજે કરી લેવામાં આવશે તેવું એસીપી રાધિકા ભરાઈએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિડીયો વાઇરલ થતા એવું લાગી રહ્યું છે કે, શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર સ્ટંટ કરનારા નબીરાઓ બેખૌફ બન્યા છે. પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ માભો પાડવા માટે જાહેરમાં સ્ટંટ કરી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકે છે.જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આ પ્રકારના બનાવો બનવાનું બંધ થશે.