કર્ણાટકના મુખ્યમંત્રી કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં ? શું થયું ? જુઓ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને જમીન કૌભાંડમાં હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે ગવર્નર વિરૂદ્ધ તેમની અરજીને ફગાવી કાઢી છે. ગવર્નરે કેસ ચલાવવા મંજૂરી આપી હતી. જેની સામે મુખ્યમંત્રીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે ભાજપ સહિતના વિપક્ષ દ્વારા રાજીનામાની માંગણી કરાઇ છે.
જો કે આ મુદ્દો એક જમીનના ટુકડાનો છે, જેની સાઇઝ 3.14 એકર છે, જે સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામે છે. ભાજપ આ મુદ્દાને લઇને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત હુમલા કરે છે અને સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગ કરી છે. આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયા વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી ચૂક્યા છે. આ નિર્ણયને સિદ્ધારમૈયાએ કોર્ટમાં પડકાર્યો હતો.
બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપોને નકારતાં રહ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યો. ત્યારબાદ તેમણે રાજ્યપાલના ફેંસલાને કાયદાકીય પડકાર ફેંકતાં કોર્ટની શરણે ગયા હતા. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે ‘રાજ્યપાલ સરકારને સહન કરી શકતા નથી. તેથી સરકારને ગમે તેમ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટીને શોર્ટ ફોર્મમાં મુડા કહે છે. મૈસૂર શહેરના વિકાસ કાર્યો માટે ઓટૉનૉમસ બોડી છે. જમીનોના અધિગ્રહણ અને ફાળવણીના કામની જવાબદારી ઓથોરિટીની જ હોય છે, એટલા માટે મુડાનું નામ આ કેસમાં શરૂઆતથી (2004) જ જોડાયેલું છે. આ કેસ મુડા દ્વારા તે સમયે વળતના રૂપમાં જમીનના ટુકડાની ફાળવણી સાથે સંકળાયેલો છે, જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા. સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આ પ્રક્રિયામાં અનિમિતતાઓ સર્જાઇ છે. તેનાથી સરકારી ખજાનાને કરોડોનું નુકસાન થયું છે. આ મામલે મુડા અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે.