સહકારી ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર શું આયોજન કરવા જઈ રહી છે ? વાંચો
કેન્દ્ર સરકાર દેશમાં જી-20 કરતાં પણ મોટો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહી છે. દુનિયાને સહકારિતા આંદોલન સાથે જોડવાના પ્રયાસ સાથે સહકારી કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે. યોજના એવી છે કે દેશમાં આગામી સમયમાં ગ્લોબલ સહકારિતા સંમેલનનું આયોજન થવાનું છે.
સરકારી સૂત્રોએ આ અંગે મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે 25 -30 નવેમ્બર વચ્ચે દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમ ખાતે ગ્લોબલ સહકારિતા સંમેલન યોજાશે. જેમાં દુનિયાના 100 દેશ ભાગ લેશે. જો કે તેનું આયોજન ઈફકો દ્વારા કરવામાં આવશે. જી-20 કરતાં પણ આ કાર્યક્રમ મોટો હશે.
100 દેશના સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપરાંત અનેક દેશના વડાપ્રધાન અને રાષ્ટપ્રમુખો પણ સંમેલનમાં હાજરી આપી શકે છે. ફિજીના વડાપ્રધાન અને ભૂટાનના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેવાના છે. બધા પોતાના વિચારો વ્યક્ત કરશે.
ગુજરાતની મહત્વની ભૂમિકા હશે
આ મેગા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ તથા 6 થી વધુ કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે. જો કે આ કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટના સહકારી ક્ષેત્રો વિશિષ્ઠ રૂપે પોતાની દક્ષતા અને અનુભવ શેર કરશે. આ બંને રાજ્યો સહકાર ક્ષેત્રમાં પ્રભાવક રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ એમ કહ્યું છે કે આ કાર્યક્રમમાં 2025 ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના રૂપમાં મનાવવાનું એલાન પણ થઈ શકે છે. આ કાર્યક્રમ હેઠળ દેશના વિભિન્ન રાજ્યોમાં પણ કાર્યક્રમો યોજાશે. સહકારી ક્ષેત્ર સાથે વધુ યુવાઓ અને મહિલાઓને જોડવા માટેણી યોજનાઓ અંગે પણ વિચાર થવાનો છે.
