કાનપુરમાં ફરી કઈ દુર્ઘટના ટળી ? શું થયું ? કોણે બચાવ્યા ? જુઓ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો હતો જે અથડાય તો મોટી દુર્ઘટના થઈ જાત. જો કે લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક મારીને મોટી હોનારત ટાળી હતી. આમ ફરીવાર કાવતરું નિષ્ફળ બનાવી દેવાયું હતું.
અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના પેરમ્બુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર એલપીજીનો નાનો સિલિન્ડર મળ્યો હતો. માલગાડી અહીંથી પસાર થવાની હતી ત્યારે લોકો પાયલટે ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે જગ્યાએ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો તે કાનપુર દેહાત જિલ્લામાં છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સના એસપીએ જણાવ્યું કે, ‘પાંચ કિલોની ક્ષમતાવાળું એલજીપીનું ખાલી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યું હતું. ટ્રેનની સ્પીડ ધીમી હાવાથી લોકો પાયલોટે સિલિન્ડર પર નજર પડી ત્યારે તેમણે ઈમરજન્સી બ્રેક લગાવી અને પછી અધિકારીઓને જાણ કરી. આરપીએફએ આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ માહિતી આપવામાં આવી હતી.
