- જિલ્લા કલેકટર કચેરીની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં શહેર-જિલ્લાના 19 પ્રશ્નો રજૂ થયા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી ફરિયાદ સંકલન સમિતિની ખાસ બેઠકમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પ્રજાના પ્રતિનિધિઓએ અલગ -અલગ 19 પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ ઉપર ચોમાસા દરમિયાન ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી તો સાંસદ રૂપાલાએ ગ્રામ્ય વિસ્તારમાં જમીન માપણીના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેકટર નવનાથ ગોવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજાયેલ ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલાના 6, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ 3, દર્શિતાબેન શાહે 8 અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ 2 પ્રશ્નો રજૂ કરતા કુલ 19 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતો હોય દોઢસો ફૂટ રીંગ રોડ પર પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરવામાં આવી હતી.
ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા આધારકાર્ડને લગતી સમસ્યા ઉકેલવા અંગે સંકલન બેઠકમાં ફરિયાદ કરવામાં આવી હતી, આ ઉપરાંત ધારાસભ્ય ટીલાળાએ જેતપુર હાઈવેની સીકસલેનની કામગીરી હાલ ચાલી રહેલી કામગીરીની સાથે ભાદરની બિસ્માર બનેલી પાઈપલાઈન બદલવા પણ માંગણી મૂકી હતી. આ ઉપરાંત શહેરના કોટેચા સર્કલ પર દિવસ દરમિયાન ભરચકક ટ્રાફીક સર્જાતો હોય વાહનચાલકોને ટ્રાફીક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની ટ્રાફીક સમસ્યાના નિરાકરણ માટે કોટેચા સર્કલને નાનુ કરવા રજુઆત કરી મહાનગર પાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલોને ફાયર સેફટીના સાધનોના ઈસ્ટોલેશન માટે લોકો માટે બંધ કરવામાં આવેલ છે જેને તત્કાલ શરૂ કરવા પણ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી.