રાહુલ દ્રવિડ બાદ રાજસ્થાનને મળ્યો વિક્રમ રાઠૌરનો સાથ
ભારતને વર્લ્ડ કપ જીતાડનાર જોડી હવે આઈપીએલમાં રાજસ્થાનને ચેમ્પિયન બનાવવા કરશે મહેનત
સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલ-૨૦૨૫ પહેલાં પોતાનો કોચિંગ સ્ટાફ મજબૂત કરતી જોવા મળી રહી છે. દ્રવિડને આ મહિને પોતાના મુખ્ય કોચ નિયુક્ત કર્યા બાદ ટીમે વિક્રમ રાઠૌરને પોતાના બેટિંગ કોચ બનાવ્યા છે. આ જોડીને ચાલું વર્ષે ભારતને ટી-૨૦ વર્લ્ડકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે બન્નેની નજર ૨૦૦૮ બાદ રાજસ્થાન રોયલ્સને ફરી આઈપીએલમાં ચેમ્પિયન બનાવવા પર રહેશે.
વિક્રમ રાઠૌરે કહ્યું કે રોયલ્સ પરિવારનો હિસ્સો બનવું સૌભાગ્યની વાત છે. રાહુલનો સાથ અને હવે યુવા ક્રિકેટરોની પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવાનો અવસર અત્યંત રોમાંચક રહેશે. હું ટીમના દૃષ્ટિકોણમાં યોગદાન આપવા અને રોયલ્સ તેમજ ભારત માટે ખેલાડીઓને વિકસિત કરવાના અમારા લક્ષ્યાંકની દિશામાં કામ કરવા માટે ઉત્સુક છે.