રાજકોટની યસ બેન્કને હાઉસિંગ લોનમાં વ્યાજ સબસીડી માટે ફેર કાર્યવાહી કરવા આદેશ
બેન્કની ભૂલને કારણે ગ્રાહકને વ્યાજ સબસીડી ન મળતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગનો ચુકાદો
રાજકોટ : રાજકોટ શહેરના હાથીખાના વિસ્તારમાં યસ બેન્કમાંથી રૂપિયા 15 લાખની લોન લઈને ફ્લેટ ખરીદનાર મહિલાને બેન્કની ભૂલને કારણે કેન્દ્ર સરકારની વ્યાજ સબસીડી યોજનાનો લાભ ન મળતા બેન્ક અને સરકારની નેશનલ હાઉસિંગ બેન્ક વિરુદ્ધ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં દાદ માંગતા આયોગે અરજદાર મહિલાને સબસિડીનો લાભ મળે તે માટે ફેરકાર્યવાહી કરવા બેન્કને આદેશ કરી મહિલા ગ્રાહકને ખર્ચ પેટે 5000 ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટ શહેરના હાથીખાના શેરી નંબર -3માં સદગુરુ આશિષ એપાર્ટમેન્ટમાં વર્ષ 2028માં યસ બેન્કમાંથી રૂપિયા 15 લાખની લોન લઈ અંગુરા ખાતુને ફ્લેટ ખરીદ કરી કેન્દ્ર સરકારની વ્યાજ સબસિડીનો લાભ લેવા માટેનું ફોર્મ પણ ભર્યું હતું. જો કે, આમછતાં તેઓને વ્યાજ સબસિડીનો લાભ ન મળતા બેન્કને ફરિયાદ કરતા બેન્કે મહિલાના પતિના નામે ફ્લેટ ખરીદ કરવામાં આવેલ હોય તેવું જણાવી નેશનલ હાઉસિંગ બોર્ડે અરજી રીજકેટ કર્યાનું જણાવી ઉડાઉ જવાબ આપતા આ મામલે અરજદાર અંગુરા ખાતુને રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં દાદ માંગતા આયોગે બન્ને પક્ષને સાંભળી યસ બેન્કને સબસીડી માટે ફેર કાર્યવાહી કરવા આદેશ આપી મહિલાને ખર્ચ પેટે 5000 ચૂકવવા આદેશ કર્યો હતો.