અગાઉ બામણબોર અને બગોદરા બે જ ટોલનાકા હતા
સિક્સલેન હાઇવે ઉપર 201 કિલોમીટરના અંતર માટે ડોળીયા, લીમડી અને બાવળા પાસે ચાંદલો કરવો પડશે
રાજકોટ : રાજકોટ -અમદાવાદ વચ્ચે ફોરલેન હાઈવેને વર્ષ 2018થી સિક્સલેન બનાવવા માટે કામગીરી શરૂ થયા બાદ બે વર્ષની બદલે 6 વર્ષે પણ કામ હજુ પૂર્ણ નથી થયું ત્યારે 2200 કરોડ રૂપિયાનો આ પ્રોજકેટ હાલમાં 3000 કરોડને આંબી ગયો હોવાનું અને આગામી એપ્રિલ માસથી કાર ચાલકથી લઈ ટ્રક, બસ અને હેવી વાહનો માટે ત્રણ-ત્રણ જગ્યાએ ટોલટેક્સ ચૂકવવા પડશે જેથી અત્યાર સુધી બસ અને ફોર વ્હીલ ચાલકોને આપવામાં આવેલ ટોલ મુક્તિનો છેદ ઉડતા બસના ભાડા વધવાની સાથે કાર લઈને અમદાવાદ જવું પ્રજાજનો માટે મોંઘુ બનશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે સિક્સલેનમાં પરિવર્તિત કરવા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2018માં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ વર્ષ 2020માં સિક્સલેન પ્રોજેક્ટ પૂર્ણ થનાર હતો પરંતુ મંથર ગતિએ ચાલતી સિક્સલેનની કામગીરીમાં છ-છ વખત મુદત વધારવા છતા પણ એજન્સી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં કરી શકતા મૂળ 2200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હાલમાં 3000 કરોડ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.જો કે, રાજકોટ અમદાવાદ હાઇવે સિક્સલેન બનતા લોકોનો સમય બચશે તે વાત સો ટકા સાચી પરંતુ સમયની સાથે લોકોના ખિસ્સા ઉપર પણ બોજો પડનાર હોવાનું સામે આવ્યું છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઇવેનું કામ હજુ પૂર્ણ નથી થયું. સંભવતઃ ડિસેમ્બર-2024માં રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટ પૂર્ણ થાય તેમ હોવાના સંકેતો વચ્ચે સરકાર દ્વારા આગામી એપ્રિલ-2025થી અગાઉ બામણબોર અને બગોદરા પાસેથી વસુલવામાં આવતા ટોલટેક્સને બદલે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એપ્રિલ 2025થી ડોળીયા નજીકના આયા ગામ, લીમડીના કાનપર અને બાવળાના ભાયલા ગામ પાસે ટોલબુથ ઉભા કરી વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસુલ કરવામાં આવશે.હાલમાં ત્રણેય ટોલનાકા શરૂ કરવા અંગે સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ -અમદાવાદ હાઇવે ફોર લેન કરવામાં આવતા રૂપિયા 369 ક્રોડનોન ખર્ચ વસૂલવા બામણબોર અને બગોદરા ખાતે ટોલટેક્સ વસુલ કરવામાં આવતો હતો જેમાં ખર્ચ ઉપરાંતના 400 કરોડ જેટલો ટોલટેક્સ વસુલ કરવામાં આવ્યો હતો અને હવે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્સથી ધરાઈ જતા ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કર્યું છે.
ટોલટેક્સ વસૂલવા માટે નવી એજન્સી પણ પસંદ થઇ ગઈ
રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આગામી એપ્રિલ-2025થી ટોલટેક્સ રૂપી ચાંદલો વાહનચાલકો પાસેથી વસુલ કરવાનું શરૂ થનાર છે ત્યારે ટોલટેક્સ ઉઘરાવવા માટે એજન્સી પણ નક્કી કરી લેવામાં આવી હોવાનું અને પ્રીતિ બિલ્ડર નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે,નોંધનીય છે કે, ફોરલેન હાઇવે હતો ત્યારે ટોલટેક્સ ઉઘરાવવા માટે અંદાજે 30થી 35 એજન્સીઓ બદલાઈ હતી અને મૂળ ખર્ચ કરતા 400 કરોડ જેટલો વધુ ટોલટેક્સ ઉઘરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
કાર ચાલકો માટે ફરી ટોલટેક્સ શરૂ થશે
રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે ઉપર છેલ્લા પાંચેક વર્ષથી કાર ચાલકો પાસેથી ટોલટેક્સ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યારે આગામી એપ્રિલ 2025થી રાજકોટ -જૂનાગઢ હાઈવેની જેમ જ રાજકોટથી અમદાવાદ પહોંચવામાં કાર ચાલકોને ઓછામાં ઓછો 150થી 200 રૂપિયા જેટલો ટોલટેક્સ ચૂકવવો પડે તેમ હોવાના સંકેતો સૂત્રોએ આપ્યા હતા સાથે જ એસટી બસ પાસેથી પણ ટોલટેક્સ વસુલવામાં આવનાર હોવાથી રાજકોટ-અમદાવાદ વચ્ચેના બસભાડા પણ વધશે.