PCBનો મૂળમાં ઘા: ૫૭૯ લીટર દેશી-૩૧૬ બોટલ વિદેશી દારૂ પકડ્યો
દારૂના પીઠ્ઠાના તમામ જાણકાર' પીસીબીમાં સામેલ થઈ જતાં એક બાદ એક રેડ: ચાર બૂટલેગર પકડાયા
ડીસીબીમાં નવી
ભરતી’એ નાછૂટકે ગુનાના ભેદ ઉકેલવા જ રોકાવું' પડે તેવી નોબત !
રાજકોટમાં આમ તો લગભગ દરેક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. છાશવારે સ્થાનિક પોલીસ દ્વારા પ્રોહિબિશનની ડ્રાઈવ કરીને અમુક લીટર દારૂ પકડીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલ્યો આવે છે. જો કે આ પ્રકારની ડ્રાઈવની નહીંવત્ અસર થતી હોય તેવી રીતે બૂટલેગરો ફરી દારૂ બનાવીને વેચવા લાગે છે. જો કે હવે
એક્ટિવ’ થઈ ગયેલી પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના દૂષણ ઉપર એક બાદ એક રેડ કરવામાં આવી રહી હોય અમુક અંશે દૂષણ બંધ થવાની આશા શહેરીજનો રાખી રહ્યા છે. આવા જ બે જગ્યાએ દરોડા પાડીને ૫૭૯ લીટર દેશી દારૂ તો એક સ્થળેથી ૩૧૬ બોલ વિદેશી દારૂ પકડાયો હતો.
પીસીબી દ્વારા કુબલીયાપરા શેરી નં.૫માં મહાકાળી પાનવાળી શેરીમાં આવેલા મકાનમાં દરોડો પાડીને ૧૦૪ લીટર દેશી દારૂ તેમજ ૨૮૦૦ લીટર આથો મળી ૯૫૫૫૦ના મુદ્દામાલ સાથે મુન્ના શંભુભાઈ સોલંકી, નીતેશ ભનુભાઈ સોલંકી, રમેશ ભનુભાઈ સોલંકી અને સુરેશ બચુભાઈ સોલંકીને પકડી પાડ્યા હતા જ્યારે અંજુ વિશાલભાઈ સોલંકી ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ શરૂ કરાઈ છે. આ જ રીતે કૂવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં જાળીયા ગામની ડેમી (મિતાણા) નદીના પશ્ચિમ કાંઠે સીમમાં દેશી દારૂ બનાવાઈ રહ્યો હોય તેના પર રેડ કરી ૪૭૫ લીટર દારૂ, ૩૯૨૦ લીટર આથો મળી રૂા.૧,૯૫,૬૨૫નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
દરમિયાન પીસીબીની એક ટીમ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતાં બેડી પુલના વળાંક પાસે રોડની નીચેના ભાગે વોચમાં હતી ત્યારે ત્યાંથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી કિયા સોનેટ કારને અટકાવવા પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી થોડે દૂર જઈ રેઢી મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૧૬ બોટલ તેમજ બીયરના ૭૨ ટીન મળી આવતાં કાર સહિત ૭.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
હરિહર ચોકમાં દેશીનું વેચાણ અને સદરનો `મુન્નો’ નજરે પડશે ?
પીસીબી દ્વારા દેશી-વિદેશી દારૂના વેચાણ ઉપર એક બાદ એક રેડ પાડવામાં આવી રહી છે ત્યારે અમુક વિસ્તારના લોકો એવું પણ કહી રહ્યા છે કે હરિહર ચોકમાં ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ અટકવાનું નામ લઈ રહ્યું નથી તો સદર બજારમાં જ મુન્ના નામનો એક બૂટલેગર બેરોકટોકપણે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ દૂષણને ડામવામાં આવશે ?