ચકચારી એડવોકેટ હારૂન પલેજા હત્યા કેસમાં નામચીન રજાક સોપારી જેલમુક્ત
જામનગરના બેડી વિસ્તારમાં બાઈક લઇને નીકળેલા એડવોકેટ અને કોંગ્રેસના નેતા હારૂન પલેજા પર કેટલાક શખસોએ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારતાં શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.પોલીસે તપાસના આધારે સાયાચા ગેંગના ૧૫ જેટલાં આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે આ કેસમાં જેલ હવાલે રહેલ નામચીન રજાક સોપારીની જામીન અરજી અદાલતે મંજૂર કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ફરીયાદી નુરમહમદ ઓસમાણભાઈ પલેજાએ જામનગર સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કાકા હારૂનભાઈ બાઈક લઈને બેડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે આરોપીઓએ છરીઓ, ધોકા, પાઈપ, લોખંડના ગોળા વડે તેમના ઉપર હુમલો કર્યો હતો.બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હારૂન પલેજાને સારવાર અર્થે ખસેડતાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે તાત્કાલિક
એસ.આઇ.ટી.નું ગઠન કરીને ૧૫ જેટલાં આરોપીની ધરપકડ કરી હતી.ત્યારે આ હત્યા કેસના મુખ્ય કાવતરા ખોર આરોપી રજાક ઉર્ફ સોપારી દાઉદભાઈ ચાવડાએ જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી.જે સેશન્સ કોર્ટે રદ કરતા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
આ અરજી ચાલવા પર આરોપી વતી રોકાયેલા વકીએ દલીલ કરી હતી કે,ગુજરનારને આ આરોપીએ કોઈ ઈજા પહોંચાડેલ નથી. કાવતરા અંગેના પંચનામાઓ ઉભા કરેલ છે. બંને પક્ષકારોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે આરોપી રજાક સોપારીના જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટમાં એડવોકેટ વિરાટ પોપટ તથા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી રોકાયેલ હતા.