PCBનો ‘કરંટ’ તો જૂઓ ! હવે PI માટે લોબિંગ શરૂ
રાજકોટમાં પહેલી વખત પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) એક્ટિવ' થઈ છે ત્યારે
એક સમય હતો જ્યારે ડીસીબી (ક્રાઈમ બ્રાન્ચ)માં આવવા માટે કોન્સ્ટેબલથી લઈ પીઆઈ સુધીના રહેતા તત્પર, હવે પીસીબી પહેલી પ્રાયોરિટી
દારૂ-જુગારની રેડ પીસીબી જ કરશે, ડીસીબીએ માત્ર ગુનાના ભેદ જ ઉકેલવાના ? કામગીરીને લઈને તરેહ તરેહની ચર્ચા
રાજકોટમાં નવા ચાર પીઆઈ મુકાવાના છે ત્યારે તેમાંથી કોઈ એકને પીસીબીમાં મુકાશે કે પછી જૂના જોગીને પીસીબીમાં સમાવીને તેમના સ્થાને નવાને સોંપાશે જવાબદારી ?
રાજકોટમાં અત્યાર સુધી પીસીબી મતલબ કે પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ માત્ર પાસા, તડીપાર સહિતની કામગીરીમાં જ વ્યસ્ત' રહેતી હતી અને એક-એકથી ચડિયાતા ગુનાના ભેદ ઉકેલવા, દારૂ-જુગારની બદી ઉપર ધોંસ બોલાવવા સહિતની લગભગ દરેક પ્રકારની મહત્ત્વની કામગીરી ડીસીબી (ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા કરવામાં આવી હતી. જો કે પીસીબીને
એક્ટિવ’ કરીને ડીસીબીની સમકક્ષ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાતાં જ ત્યાં જવા માટે રીતસરની હોડ જામી છે. અત્યાર સુધીમાં ડીસીબીના એક પીએસઆઈ ઉપરાંત ૧૧ જેટલા જવાનોના ઓર્ડર થઈ ચૂક્યા છે અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે ત્યારે હવે પીસીબીમાં પીઆઈ તરીકે મુકાવા માટે જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળી રહ્યો છે.
આમ તો એક સમય હતો કે જ્યારે ડીસીબી (ક્રાઈમ બ્રાન્ચ)માં આવવા માટે કોન્સ્ટેબલથી લઈ પીઆઈ સુધીના તત્પર રહેતા હતા અને ગમે ત્યાંથી છેડો' અડાડીને બ્રાન્ચમાં સ્થાન મેળવી લેતા હતા. વળી, જેમને સ્થાન ન મળે તેઓ પોતાની નોકરી દરમિયાન બ્રાન્ચમાં કેવી રીતે જવું તેની જુગતમાં જ રહેતા હતા.
સમય સમય બળવાન છે…’ની માફક પીસીબી પણ ડીસીબીની માફક જ કામ કરવાની છે તેવું લાગતાં જ ધડાધડ ત્યાંના ઓર્ડર નીકળવા લાગ્યા અને જેમણે જેમણે પીસીબીમાં મુકવા માટેની માંગણી કરી તેમાંથી મહત્તમની માંગ ગ્રાહ્ય રાખીને ઓર્ડર પણ કરી દેવાયા હતા.
અત્યારે પીસીબીમાં બે પીએસઆઈ છે અને હવે નવા પીએસઆઈ આવવાની શક્યતા લગભગ રહેતી નથી પરંતુ હજુ સુધી અહીં પીઆઈનો ઓર્ડર કરવામાં આવ્યો ન હોય તેના માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. આમ તો ટૂંક સમયમાં રાજકોટમાં નવા ચાર પીઆઈ મુકાવાના છે મતલબ કે અન્ય જિલ્લામાંથી તેમની બદલી રાજકોટ થવાની તૈયારી છે અને આ લિસ્ટ હાલ વિચારણા હેઠળ છે ત્યારે આ ચાર પૈકી કોઈ એક પીઆઈને પીસીબીમાં મુકવામાં આવશે કે પછી રાજકોટની `તાસીર’થી વાકેફ હોય તેવા પીઆઈને પીસીબીમાં સ્થાન અપાશે અને જૂના જોગીની ખાલી પડેલી જગ્યાએ નવા પીઆઈને મુકાશે તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે.
સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પીસીબીએ અમદાવાદ, સુરત, વડોદરામાં જે રીતે પીસીબી કાર્યરત છે તે જ પ્રકારે રાજકોટમાં કામ કરવાનું છે ત્યારે દારૂ-જુગાર સહિતની બદી ઉપર પીસીબી જ દરોડા પાડશે કે પછી ડીસીબીને પણ સત્તા રહેશે ? શું પીસીબી આવી બદી અટકાવશે અને ડીસીબી માત્ર ડિટેક્શન ઉપર જ ધ્યાન આપશે ? તે સહિતના મુદ્દા પણ અત્યારે ચર્ચાની એરણે ચડ્યા છે.