વીમા કંપનીને સારવારની રકમ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ
રાજકોટ શહેરમાં રહેતા ફરિયાદીએ કરાવેલ બાયપાસ સર્જરીનું બિલ યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીએ અધૂરું ચૂકવતા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે વીમા કંપનીને ૬ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ કર્યો હતો
કેસની હકીકત મુજબ, ફરિયાદી પરેશભાઈ દાવડાએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની ફેમિલી મેડીકલ પોલીસી લીધી હતી. જે બાદ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા ડોક્ટરની સલાહ મુજબ અમદાવાદની હેપી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાવી હતી. જે બાદ ક્લેઈમ પાસ કરવા માટે જરૂરી દસ્તાવેજો વીમા કંપનીને મોકલી આપેલા હતા. ત્યારબાદ વીમાકંપનીએ જુદા-જુદા કારણો ઉભા કરીને રૂ.૧.૫૦ લાખ ચૂકવેલ ન હતા. જેથી પરેશભાઈએ ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ કરી હતી. જેમાં બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે રૂ.૫૦૦૦ ફરિયાદ ખર્ચ સાથે રૂ.૧.૫૦ લાખ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કામમાં ફરિયાદી પરેશ દાવડા વતી એડવોકેટ શુભમ.પી.દાવડા તથા મિહિર.પી.દાવડા રોકાયેલા હતા.