અફઘાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજા દિવસે પણ મેચ શરૂ ન થઈ શકી
- ગમે ત્યારે મેચ રદ્દ કરાશે: પ્રતિબંધ છતાં અફઘાને ગ્રેટર નોઈડાનું ગ્રાઉન્ડ પસંદ કર્યું’ને ધબ્બો બીસીસીઆઈ પર લાગ્યો !
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
ગ્રેટર નોઈડામાં અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાનું નામ લઈ રહી નથી. આ મેચ ગ્રેટર નોઈડાના સ્પોર્ટસ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ પર રમાવાની હતી પરંતુ ત્રણ દિવસ સુધી મેચમાં ટોસ પણ થઈ શક્યો નથી. વરસાદ અને ખરાબ આઉટફિલ્ડને કારણે પ્રથમ અને બીજા દિવસની રમત રદ્દ કરાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પણ આવું જ બન્યું હતું. મંગળવારે રાત્રે વધુ વરસાદ પડ્યો ન્હોતો પરંતુ બુધવારે સવારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. આ જ કારણથી ત્રીજા દિવસની રમત પણ રદ્દ જાહેર કરાઈ હતી. હજુ સુધી આ મેચમાં ટોસ પણ થયો નથી. હવે ગમે ત્યારે મેચને રદ્દ જાહેર કરવામાં આવશે.
આ મેચની શરૂઆત ૯ સપ્ટેમ્બરે થવાની હતી પરંતુ એ રાતે વરસાદ પડતાં મેચ નિર્ધારિત સમયે શરૂ થઈ શકી ન્હોતી. પીચ તો યોગ્ય હતી પરંતુ આઉટફિલ્ડના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મેદાનકર્મીઓએ કોશિશ તો ઘણી પરંતુ સફળતા મળી ન્હોતી. અમ્પાયરો અને મેચ અધિકારીઓએ પીચ અને મેદાનનું અનેક વખત નિરીક્ષણ કર્યું હતું પરંતુ મેદાન રમવા લાયક હોવાનું સામે આવ્યું ન્હોતું.