પૈસાની અછત પડતાં ૧૯ વર્ષીય યુવક ડ્રગ્સ પેડલર બન્યો
કેનાલ રોડ પર ૧ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું
ડ્રગ્સની પડીકી બનાવીને વેચતો અને પોતે પણ નશો કરતો : પેડક રોડ પર રહેતા શખસની SOGએ ડ્રગ્સ સાથે ધરપકડ કરી રૂ.૨.૦૩ લાખનો મુદામાલ કબજે કર્યો : રાજકોટના સપ્લાયરની શોધખોળ
શહેરમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડાવી તેનું જીવન બગાડતાં દુષણને ડામવા એસઓજીની ટીમ સક્રિય છે. પૈસાની અછત પડતાં અમુક યુવાનો તો નશો કરવાની સાથે પેડલર બની જાય છે.ત્યારે નવ નિયુક્ત પીઆઈ અને તેમની ટીમે ડ્રગ્સના દુષણને ડામવા કડક કાર્યવાહી કરી છે. જેમાં કેનાલ રોડ પર એક લાખના એમડી ડ્રગ્સ સાથે ૧૯ વર્ષના યુવાનને દબોચી લીધો છે. આ યુવક નંબર પ્લેટ વગરની ટુવ્હીલર લઇને નીકળ્યો ત્યારે બાતમી આધારે તેને પકડી લેવામાં આવ્યો હતો. અને તેની પાસેથી ૧૦.૮૪ એમ.ડી ડ્રગ્સ,મોબાઈલ અને ટુ-વ્હીલર મળી કુલ રૂ.૨.૦૩ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.જ્યારે તેને આ ડ્રગ્સ રાજકોટના સપ્લાયરે આપ્યાનું ખૂલતા એસઓજી દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
દરોડાની વિગતો મુજબ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીક્સ પદાર્થનું વેચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે હેડ કોન્સટેબલ ફિરોઝભાઈ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ એસ.એમ જાડેજાની રાહબરીમાં ટીમે કેનાલ રોડ પર વોચ રાખી હર્ષ દેવાભાઇ ચાવડીયા (ઉ.વ ૧૯-રહે.પેડક રોડ, સમૃધ્ધી સોસાયટી-૨)ને નંબર વગરના ટુવ્હીલર સાથે આતરી લીધો હતો. આ શખ્સ પાસે માદક પદાર્થ હોવાની પાકી બાતમી હોઇ તલાસી લેતા તેની પાસેથી ૧૦. ૮૪ ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સની પડીકી મળી આવી હતી.અને તેનું પ્રાથમિક પરિક્ષણ કરાવતાં આ પદાર્થ એમડી હોવાનું ખુલતા હર્ષ સામે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી એમડી ડ્રગ્સ,મોબાઈલ અને ટુ-વ્હીલર મળી કુલ રૂ.૨,૦૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે,હર્ષ વાહન ભાડેથી આપવાનું કામ કરે છે. તે પોતે ડ્રગ્સનો બંધાણી છે.અને પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચે પણ છે. હર્ષએ રાજકોટના જ એક સપ્લાયર પાસેથી આ માદક પદાર્થ મેળવ્યાનું રટણ કર્યું હતું.જેથી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ દરોડો પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. બી.માજીરાણા, આર. જે. કામળીયા, એએસઆઇ ડી. બી. ખેર, હેડ કોન્સટેબલ, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, , યુવરાજસિંહ જાડેજા, કોન્સટેબલ હાર્દિકસિંહ પરમાર, મુકેશભાઈ ડાંગર સહીતનાઓ દ્વારા પાડવામાં આવ્યો હતો.