ટીએમસીના રાજ્યસભાના સભ્યએ રાજીનામું આપતા મમતાને ઝાટકો
કોલકત્તાની ઘટનામાં મમતા બેનર્જી અને પક્ષના વલણના વિરોધમાં પગલું લીધું
કોલકત્તામાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારે બાજુથી ઘેરાયેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી ને વધુ એક ઝાટકો લાગ્યો છે. આ ઘટના બાદ તૃણમૂલ સરકારે દાખવેલી સંવેદનહીનતા તેમજ સરકાર અને પક્ષમાં ભ્રષ્ટ લોકોને મળતા મહત્વના વિરોધમાં ટીએમસીના રાજ્ય સભાના સભ્ય જવાહર સીરકારે રાજીનામું આપી દીધું હતું.
તેમણે કહ્યું કે આ ખૌફનાક ઘટના બની ત્યારથી હું મનોમંથન કરી રહ્યો છું. મમતા બેનર્જીએ વ્યક્તિગત રીતે જુનિયર તબીબોને મળી અને સંવાદ ન કર્યો અને આંદોલન પૂર્ણ કરવા માટે પ્રયત્ન ન કર્યા તે બદલ પણ તેમણે આઘાત વ્યક્ત કર્યો હતો. આ આખી ઘટનાને રાજ્ય સરકારે જે રીતે હેન્ડલ કરી તેની તેમણે આકરી ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે પક્ષમાં મુઠ્ઠીભર ભ્રષ્ટ લોકોને જ મહત્વ મળે છે. તબીબી ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટ લોકોને મળતું મહત્વ મારાથી સહન થતું નથી. તેમણે કહ્યું કે આ મમતા બેનર્જી પહેલાના મમતા નથી રહ્યા.
સીરકારે ખેદ સાથે ઉમેર્યું કે સરકાર સામેનો આટલો ગુસ્સો અને આટલી નારાજગી મેં આ પહેલા ક્યારેય નથી જોઈ. એવું લાગે છે કે ટીએમસી અને મમતા બેનરજી લોકો સાથેનો સંવાદ ગુમાવી બેઠા છે અને લોક લાગણી પારખી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે આ આંદોલન રાજકીય આંદોલન નથી. ન્યાય મેળવવાની ઝંખના માટેનું આંદોલન છે.જો ટીએમસી હજુ પણ પોતાનું વલણ નહીં બદલે તો રાજ્ય કોમવાદી તત્વોના હાથમાં સરકી જશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજકીય નિવૃત્તિ જાહેર કરી
જવાહર સીરકારે તેમને રાજ્યસભાના સભ્ય બનાવી બંગાળનો અવાજ સંસદમાં પહોંચાડવાની તક આપવા બદલ મમતા બેનર્જીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ત્રણ વર્ષ સુધી મેં આ ફરજ બજાવી પરંતુ હું કોઈ પણ સંજોગોમાં રાજ્યમાં કે કેન્દ્રમાં ભ્રષ્ટાચાર, કોમવાદ અને આપખુદશાહીના મામલે સમાધાન ન કરી શકું. તેમણે પક્ષના પ્રાથમિક સભ્ય પદ્ધતિ રાજીનામું આપી રાજકીય નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.