ઈંગ્લીશ બેટર ઓલી ઓલી પોપની સાત દેશ સામે સદી
- ભારત, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વિન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડ બાદ હવે શ્રીલંકા સામે બનાવી સદી: આવું કરનારો વિશ્વનો પ્રથમ બેટર
બેન સ્ટોક્સના ઈજાગ્રસ્ત થવાને કારણે ઈંગ્લેન્ડ ટીમની કમાન સંભાળી રહેલા ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો હતો. તેણે પોતાની સાત ટેસ્ટ સદી સાત અલગ-અલગ ટીમ સામે બનાવી છે. આવું કરનારો તે દુનિયાનો પ્રથમ બેટર છે. આ ઉપલબ્ધી તેણે શ્રીલંકા વિરુદ્ધ ધ ઓવલમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે હાંસલ કરી હતી.
ઓલી પોપના સદીની સફર જાન્યુઆરી-૨૦૨૦માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ હતી જ્યાં તેણે અણનમ ૧૩૫ રન બનાવ્યા હતા. તેણષ પોતાની આગલી સદી માટે બે વર્ષની રાહ જોવી પડી હતી જે જાન્યુઆરી-૨૦૨૨માં નોટિંઘમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બની હતી જેમાં તેણે ૧૪૫ રન બનાવ્યા હતા. ડિસેમ્બર-૨૦૨૨માં પોપે પોતાની ત્રીજી ટેસ્ટ સદી રાવલપિંડીમાં પાકિસ્તાન વિરુદ્ધ ૧૦૮ રન બનાવીને કરી હતી. ચોથી સદી જૂન-૨૦૨૩માં આયર્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં આવી હતી જેમાં તેણે ૨૦૫ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ૨૦૨૪માં હૈદરાબાદમાં ભારત વિરુદ્ધ તેણે ૧૯૬ રન બનાવ્યા હતા. છઠ્ઠી સદી જૂલાઈ-૨૦૨૪માં વિન્ડિઝ સામે બનાવી હતી.