રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ: ૯૦૦ ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો
નેશન લીગમાં પોર્ટુગલ વતી ક્રોએશિયા સામે કર્યો ૯૦૦મો ગોલ: મેસ્સી પણ હજુ ઘણો દૂર
નેશન લીગની શરૂઆત થઈ ચૂકી છે. પોર્ટુગલ-ક્રોએશિયા વચ્ચે રમાયેલી મેચમાં પોર્ટુગલ ૨-૧થી જીત્યું હતું. પોર્ટુગલની આ જીતમાં કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેની ટીમ પહેલાંથી જ ૧-૦થી આગળ ચાલી રહી હતી ત્યારે ૩૪મી મિનિટે રોનાલ્ડોએ વધુ એક ગોલ કરીને જીત નિશ્ચિત કરી દીધી હતી. આ એક ગોલ સાથે જ રોનાલ્ડોએ ફૂટબોલના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ક્લબ અને પોતાના દેશ વતી રમતા રોનાલ્ડોએ પોતાની કરિયરનો ૯૦૦મો ગોલ કર્યો હતો. આવું કરનારો તે દુનિયાનો પ્રથમ ખેલાડી છે.
રોનાલ્ડોએ સોશ્યલ મીડિયા પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે તમામ ચાહકોનો આભાર. હું ઘણા સમયથી આ સ્વપ્ન સેવી રહ્યો હતો જે પૂરું થયું છે. હજુ ઘણા સ્વપ્ન પૂરા કરવાના બાકી છે. તેના માટે આ માઈલસ્ટોન ઘણું જ ભાવુક છે.
ફૂટબોલમાં ક્રિસ્ટિયાનો અને લિયોનેલ મેસ્સી લાંબા સમયથી એક બીજાના હરિફ છે. ગોલ કરવામાં બન્ને ખેલાડીની તોલે કોઈ આવતું નથી. જો કે હવે રોનાલ્ડો આ મામલે મેસ્સી કરતાં પણ આગળ છે. ૨૦૦૨માં રોનાલ્ડોના કરિયરની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તેણે ૪૫૮ ગોલ રિયલ મેડ્રિડ માટે, ૧૪૫ ગોલ મેન્ચેસ્ટર યૂનાઈટેડ, ૧૦૧ ગોલ જુવેન્ટસ અને ૬૮ ગોલ અલ નસ્સર માટેકર્યા છે. જ્યારે લિયોનલ મેસ્સી ૮૫૯ ગોલ સાથે દુનિયાનો બીજો ફૂટબોલર છે.