લા નીનાની અસર વહેલી શરુ : ઠંડી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની આગાહી વિશે
દેશમાં ભારે વરસાદ પછી હવે કડકડતી ઠંડી કહેર વરસાવશે તેવો હવામાન ખાતાનો વરતારો
ડીસેમ્બરનાં મધ્યથી જાન્યુઆરી સુધી ગાત્રો થીજાવી નાખે એવી ઠંડી પડશે…
આ વખતે ચોમાસાએ ભુક્કા કાઢ્યા છે અને સામાન્ય કરતા પણ વધુ વરસાદ હજુ વરસી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ આ વખતે શિયાળો પણ આકરો રહેશે તેવી આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે સપ્ટેમ્બરમાં લા નીનાની અસર શરૂ થઈ ગઈ છે, જેના કારણે ઠંડીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. લા નીના, જે સામાન્ય રીતે ચોમાસાની વિદાય પછી અસર દેખાડતુ હોય છે પરંતુ આ વખતે વહેલી અસર શરુ થઇ ગઈ છે. લા-નીના તાપમાનમાં તીવ્ર ઘટાડો લાવવા માટે જાણીતું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લા નીનાની સ્થિતિ ચોમાસાના છેલ્લા અઠવાડિયામાં અથવા તેના અંત પછી જ વિકસિત થતી હોય છે એટલે ચોમાસા ઉપર તેની અસર જોવા મળી નથી.પરંતુ અત્યારે શિયાળાની શરૂઆત પહેલા જ એટલે કે સપ્ટેમ્બરમાં જ લા નીનાની સ્થિતિ ઊભી થઇ ગઈ છે તેથી ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી સખત શિયાળો રહેશે. હવામાન વિભાગનો અંદાજ છે કે નવેમ્બરથી જાન્યુઆરી 2025 દરમિયાન શિયાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં તે રહેવાની શક્યતા 75 ટકાથી વધુ છે.
પ્રશાંત મહાસાગરની મધ્યમાં બનેલા અલ નીનો અને લા નીના હવામાનશાસ્ત્રીઓની સમજમાં એકબીજાની વિરુદ્ધ છે. સામાન્ય રીતે, ‘અલ નીનો’ અથવા ‘લા નીના’ના પ્રભાવ હેઠળ, વિશ્વના લોકોને બંને પ્રકારના ભારે હવામાનનો સામનો કરવો પડે છે. દરિયાની સપાટી વધવાને કારણે ચક્રવાતનો સામનો કરવો પડે છે તો ક્યારેક દુષ્કાળ અને ક્યારેક ભારે પૂરનો પણ સામનો કરવો પડે છે.
લા નીના એક સ્પેનિશ શબ્દ છે અને તે અલ નીનોની બરાબર વિપરીત અસર દર્શાવે છે. લા નીના દરમિયાન, મજબૂત પૂર્વીય પવનો સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલી દે છે, જેના કારણે સમુદ્રની સપાટી ઠંડી પડે છે અને પછી તીવ્ર શિયાળાનો અનુભવ થાય છે.
લા નીના અને અલ નીનો બંને વાયુમંડળની નોંધપાત્ર ઘટના છે જે સામાન્ય રીતે એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે અને પછી ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે મજબૂત બને છે. તે સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી ચાલે છે, જે ક્યારેક બે વર્ષ સુધી ટકી શકે છે.
લા નીના સમુદ્રની સપાટી અને તેની ઉપરના વાતાવરણ બંનેને ઠંડુ કરીને વિપરીત અસરનું કારણ બને છે.
લા નીના સક્રિય થવાને કારણે, અત્યંત તીવ્ર ઠંડી શરૂ થાય છે અને આવી સ્થિતિમાં, હવામાનશાસ્ત્રીઓએ આ વર્ષે પણ આવી જ સંભાવનાની આગાહી કરી છે.