સગા ભાઈને મોતને ઘાટ ઉતારનાર બે હત્યારાને વેશપલટો કરી યૂપીથી દબોચી લેતી પોલીસ
હત્યાને અંજામ આપ્યા બાદ જામીન પર છૂટીને ચાર વર્ષ સુધી રહ્યા’તા ફરાર
કોઈ ગુનાને અંજામ આપ્યા બાદ ધરપકડ થાય પછી કોર્ટમાં કેસ ચાલે છે અને તે દરમિયાન આરોપી કાયદાની છટકબારી શોધીને જામીન મેળવી લેતો હોય છે. જો કે જામીન મળ્યા બાદ આરોપીએ નિયમિત રીતે કોર્ટમાં હાજરી આપવાની હોય છે પરંતુ તેના દ્વારા આમ કરવામાં આવતું ન હોવાથી પોલીસ દ્વારા તેની સામે પકડ વોરંટ કાઢવામાં આવે છે. આવો જ સગા ભાઈની હત્યાનો એક ગુનો અમદાવાદમાં નોંધાયો હતો જેમાં જામીન મેળવીને ચાર વર્ષથી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પોલીસે યુપીમાં વેશપલટો કરીને દબોચી લીધા હતા.
૨૦૨૦માં જીઆઈડીસી-વટવા, રામોલ બ્રિજની નીચે ગણેશ કોર્પોરેશન ફેક્ટરીની ઓરડીમાં રવિકુમાર લલઉ કોલ (ઉ.વ.૨૩)ની પૈસાની લેતી-દેતી મામલે તેના જ બે ભાઈઓ અવધેશ લલઉ કોલ અને કવિ લલઉ કોલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ પછી બન્નેની ધરપકડ પણ કરાઈ હતી. ત્યારબાદ બન્ને જામીન ઉપર છૂટ્યા બાદ ચાર વર્ષથી કોર્ટ મુદતે હાજર થતાં ન હોય તેમના નામે વોરંટ કાઢવામાં આવ્યું હતું.
અમદાવાદ સેક્ટર-૬ ડીસીપી રવિ મોહન સૈની, જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.ડી.નકુમ સહિતના સ્ટાફે બાતમીના આધારે આરોપીના ઉત્તરપ્રદેશમાં ચિત્રકૂટ જિલ્લાના એક ગામડામાં વેશ પલટો કરીને વોચ ગોઠવવામાં આવી હતી. રાત-દિવસ વોચ રાખ્યા બાદ ખાતરી થઈ હતી કે બન્ને હત્યારા ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરી રહ્યા છે. આ ખરાઈ થયા બાદ પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ દરોડો પાડી બન્નેને દબોચી લીધા હતા.