રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા બ્રીજ ઉપર ટ્રક પાછળ થાર કાર ઘુસી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જયારે તેની સાથે રહેલા અન્ય બે યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. ત્રણેય યુવકો મિત્રના માતાની અંતિમ વિધિમાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
વિગતો અનુસાર, પાડાસણ રહેતા રાહુલ સુરેશભાઈ પરમાર નામના યુવકે માલવીયાનગર પોલીસ મથકમાં પોતાના મિત્ર અજય જયંતિભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે રાહુલ, ઘનશ્યામ અને અજય પીપર ગામે મિત્રની માતાનું અવસાન થયેલ હોય જેથી અંતમી વિધિ માટે જતાં હતાં ત્યારે રાજકોટ રહેતા અન્ય એક મિત્રને પણ સાથે લીધો હતો. જે બાદ અંતિમ વિધિ પતાવી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં એક યુવકને ઘરે ઉતારી ત્રણેય પાડાસણ પરત ફરતા હતા. દરમીયાન ગોંડલ ચોકડી પાસે આવેલો બ્રિજ ચડતા જ થાર ચલાવતા અજયે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર બે-ત્રણ વાર બ્રિજની દિવાલ સાથે અથડાય બાદ આગળ જતાં ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
ઘટના બાદ બેભાન ઢળી પડેલા અજય રાઠોડને બંને મિત્રોએ તાકીદે સારવાર અર્થે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.યુ.વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાર્યવાહી હાથ ધરી મૃતક યુવકના પરીવારને ઘટના અંગે જાણ કરી હતી.