બંગાળ બંધમાં બોમ્બ-બબાલ-ગોળીબાર…શેરીઓમાં હિંસક અથડામણ : ભાજપના 3 નેતાઓ સહિત અનેકની અટકાયત
કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટરની દુષ્કર્મ બાદ -હત્યા કેસમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન બાદ ભાજપે પોલીસના લાઠીચાર્જના વિરોધમાં બુધવારે 12 કલાકના બંગાળ બંધનું આહ્વાન કર્યું હતું જેને આંશિક છતાં સારો પ્રતિસાદ મળ્યો હતો. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઠેર ઠેર આગજની અને અથડામણો થઈ હતી. ગોળીબાર અને બોમ્બ ફેકવાની ઘટના બની હતી. ભાજપના નેતાની કાર પર ગોળીબાર થયો હતો. એકની હાલત ગંભીર બની હતી.
મોટાભાગના શહેરોમાં સવારે દુકાનો ખૂલ્યા બાદ બંધ થઈ ગઈ હતી. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અનેક સ્થળે ટક્કર થઈ હતી. જેમાં કેટલાક ઘાયલ થયા હતા. પોલીસે લાઠીચાર્જ બાદ તીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો.
ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું. પ્રિયંગુએ કહ્યું હતું કે ટીએમસીના લગભગ 50-60 લોકોએ હુમલો કર્યો. વાહન પર 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી. એક ગંભીર છે.
નાદિયા અને મંગલબારી ચોરંગીમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ટીએમસી સમર્થકોએ ભાજપના કાર્યકરો પર લાકડીઓથી હુમલો કર્યો. બાણગાંવ અને બારાસત દક્ષિણમાં 27 ઓગસ્ટના રોજ કોલકાતામાં વિદ્યાર્થીઓની અટકાયત અને લાઠીચાર્જનો વિરોધ કરી રહી છે.
મમતાએ શું કહ્યું ?
બંગાળ બંધ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રેપ-હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપ્યાને 16 દિવસ વીતી ગયા છે. ન્યાય ક્યાં છે? સીએમએ કહ્યું- ભાજપ બંગાળને બદનામ કરી રહી છે. ભાજપે ક્યારેય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મણિપુરના મુખ્યમંત્રીઓના રાજીનામાની માંગ કરી નથી.
ભાજપે કહ્યું, ડોકટરોને ધમકીઓ મળી
દરમિયાનમાં ભાજપ દ્વારા એવો આરોપ મુકાયો હતો કે મમતા અને એમના મંત્રીઓ દ્વારા ડોકટરોને ધમકીઓ અપાઈ રહી છે. બંગાળમાં કાયદાનું રાજ રહ્યું નથી. મમતા અપરાધીઓને બચાવી રહ્યા છે. બંધારણ જેવુ કશું રહ્યું નથી. મમતાની સંવેદના જ મરી ગઈ છે. બંગાળમાં બહેન દીકરીઓ સલામત રહી નથી. બંધ દરમિયાન ભાજપના કાર્યકરો પર મમતાના લોકોએ હુમલા કર્યા છે.