હવે રાજકોટની જેલમાં બનશે ખાતર
રસોડામાંથી નીકળતા કચરાનું ખાતર બનાવતા કમ્પોસ્ટ મશીનનું લોકાર્પણ કરતાં જેલ વડા ડો.કે.એલ.એન.રાવ
કેદીઓની રોજગારી વધારવા હીરા ઘસવાના 10 મશીન મુકાયા : જેલના કર્મચારીઓ અને તેમના પરીવારજનોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ફીટનેસ સેન્ટર શરૂ કરાયું
રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓને રોજગાર મળી રહે તેમજ જેલના કર્મીઓ ફિટ રહે તે અનુસંધાને ગઇકાલે જેલ વડા ડો.કે.એલ.એન રાવના હસ્તે જિમ અને હીરા ઘસવાના 10 મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત રસોડામાં નીકળતા ફુડ વેસ્ટ તેમજ અન્ય પ્રકારના કચરામાંથી ખાતર બનાવવા માટે કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે.
રાજકોટની મધ્યસ્થ જેલમાં જેલમાં સજા ભોગવતા કેદીઓને પૂરતી રોજગારી મળી રહે તે માટે રાજકોટના ખોડલ ડાયમંડના સહયોગથી 10 હીરા ઘસવાના મશીન (ઘંટી) મૂકવામાં આવી હતી.જેનું રાજ્યની જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ અને તેમના પત્ની ડો.ઇન્દુબેન રાવના હસ્તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેલમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ તેમજ તેમના પરીવારજનોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ફીટનેસ સેન્ટર(જીમ)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ છે.આ મામલે વધુ માહિતી આપતા ડો.કે.એલ.એન.રાવએ જણાવ્યું હતું કે,રાજકોટ જેલના કેદીઓ અહીના રસોડામાં છેલ્લા 10 વર્ષથી લોકોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી રહ્યા છે.જેથી અહીના રસોડાના અને કેદીઓના ઠેર-ઠેર વખાણ પણ થઈ રહ્યા છે.ત્યારે રસોડાના વધુ ઉપયોગથી અહી નીકળતા ફુડ વેસ્ટ તેમજ અન્ય પ્રકારના કચરાનો પણ ઉપયોગ તેને ખાતર બનાવવા માટે કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે.જેથી હવે રસોડાના કચરાનો પણ ઉપયોગ કરી તેનું ખાતર બનશે અને આ ખાતરનું જેલ વેચાણ કેન્દ્ર ખાતેથી જાહેર જનતા તેમજ કૃષીક્ષેત્રની સંસ્થાઓને વેચાણ કરવામાં આવવાનું છે.
ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા તાજેતરમાં જ રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓનાં પગારમાં 6 વર્ષ બાદ વધારો કરવાંઆ આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો થયો હતો. ત્યારે હવે તેમની આવક વધતાની સાથે રોજગારી વધારવા માટે વધુ એક પગલું જેલ તંત્ર દ્વારા લેવામાં આવ્યું છે. જ્યારે આ કાર્યક્રમને અધિક જેલર રાઘવ જૈન,નાયબ અધિક જેલર નાસિરૂદ્દીન લોહાર અને ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ સફળ બનાવ્યું હતું.
