અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ છતાં પોલીસ નિદ્રાધીન
દારૂના વેચાણ માટે મનપાની જમીન ઉપર જ કબજો છતાં ટીપી શાખા બેખબર
ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામમાં વીજ કનેક્શન છતાં પીજીવીસીએલ અજાણ
રાજકોટના લગભગ દરેક વિસ્તારોમાં હવે દેશી-વિદેશી દારૂનું વેચાણ થવા લાગ્યું છે આમ છતાં તેને રોકવા માટે પોલીસમાં કાં તો હિંમત રહી નથી અથવા તો આ દૂષણ અટકાવાની દાનત હોય તેવું લાગી રહ્યું નથી ! આ બધાની વચ્ચે વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશિપ વિસ્તાર કે જ્યાં પોલીસે દેશી દારૂનું વેચાણ બંધ ન કરાવતાં આખરે સ્થાનિકોએ રેડ કરી દૂષણ અટકાવ્યું હતું. અહીં વર્ષોથી દારૂનો વેપલો ફૂલ્યોફાલ્યો છે આમ છતાં પોલીસ તો તેને બંધ કરાવામાં નિષ્ફળ નિવડી જ છે સાથે સાથે મહાપાલિકા અને પીજીવીસીએલની
લાલિયાવાડી’ પણ સામે આવી છે.
અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્કના રહેવાસીઓ દ્વારા આક્રમક રીતે દારૂના વેચાણ તેમજ મહાપાલિકાની જગ્યા પર ગેરકાયદેસર કબજા અંગે રજૂઆત કરવામાં આવી હતી. લોકોએ જણાવ્યું કે શ્રીનાથજી પાર્કમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ વેચાણ જે જગ્યાએથી થાય છે તે પણ દબાવાયેલી મતલબ કે કબજો કરાયેલી જગ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ દર વખતે માત્રને માત્ર દિલાસાઓ અને વાયદાઓ જ આપવામાં આવ્યા છે.

લોકોએ વધુમાં જણાવ્યું કે અમારી સોસાયટીને ત્રણ મુખ્ય માર્ગ ફાળવવામાં આવ્યા છે. રસ્તો નંબર ૨ અને ૩ અમારા ઉપયોગ માટે ખુલ્લા છે અને રસ્તા નંબર ૧નો અમે ઉપયોગ કરી શકતા નથી કેમ કે તેના ઉપર ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ કરી લેવામાં આવ્યા છે અને હજુ પણ બાંધકામ ચાલી જ રહ્યા છે. વળી, ગેરકાયદે બાંધકામ માટે પીજીવીસીએલનું કનેક્શન પણ મેળવી લેવામાં આવ્યું છે.
ફરિયાદ મળતાં જ સ્ટેન્ડિંગ ચેરમેન સ્થળ પર દોડ્યા…!
અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ મળતાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર તેમજ સિટી ઈજનેર કુંતેશ મહેતા સહિતના સ્થળ પર દોડી ગયા હતા. ચેરમેન દ્વારા અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ આપી સ્થાનિક લોકોને બાહેંધરી આપી હતી કે આ ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપી જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવશે અને જો નહીં કરે તો તાત્કાલિક ડિમોલિશન કરીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.