મંકી પોકસ વાયરસને લઈને એલર્ટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા કરાઈ
દર્દીની સારવાર માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી આઇસોલેટ વોર્ડ બનાવાયો
સમગ્ર વિશ્વ થોડા સમય પહેલા જ કોરોના વાયરસના ભયમાંથી બહાર આવ્યું છે. ત્યારે હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. મંકીપોક્સ નામના વાયરસ અંગે WHOએ પણ નોંધ લીધી છે. જોકે, ભારતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી પરંતુ, તૈયારીના ભાગરૂપે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અને તબીઓએ લોકોને આ વાયરસથી સાવચેતી રાખવા પણ સૂચન કર્યું છે.
વિગત મુજબ મંકી પોક્સ વાયરસનાં વિશ્વભરમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 1100 લોકોના મોત પણ થયા છે. ખાસ કોંગો, રવાંડા, યુગાન્ડા, બુરન્ડી અને કેન્યા સહિતના દેશોમાં વાયરલ ફેલાયો છે. આ વાયરસનો ડર વિશ્વભરના દેશોમાં ફેલાયો છે, જેથી વાયરસથી બચવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.
ભારતમાં હજુ સુધી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ વાયરસથી બચવા તકેદારીના ભાગ રૂપે તંત્ર એલર્ટ થયું છે અને તૈયારી શરૂ કરી છે. 20 બેડનો આઇસોલેટ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડૉ.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીનો ટેસ્ટ કરવાની સુવિધા છે. કોઈ દર્દી શંકાસ્પદ જણાય અથવા કોઈ દર્દીને મંકીપોકસ ડીટેકટ થાય તો આઇસોલેશનમાં રાખવા માટના 10 બાળકો સહીતનો 20 બેડનો આઇસોલેટ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને પણ આ વાયરસના લક્ષણ જણાય જેમ કે, સ્કિન પર લાલ ફોલ્લીઓ થવી તો તરત જ હોસ્પિટલમાં પહોંચીને તપાસ કરાવવા અપીલ કરી છે.