વોઈસ ઓફ ડે’ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં…અમદાવાદ હાઈ-વે પર ઢોર દેખાશે એટલે માલિકને આકરો દંડ-જપ્તી
તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતનાની બેઠક
માલિયાસણ, કૂવાડવા સહિતના ગામના સરપંચ તેમજ માલધારીઓને રસ્તો ક્લિયર રખાવવા અપાયેલી સુચના પેટા: રાજકોટ-અમદાવાદ હાઈ-વે
એનિમલ ન્યુસન્સ’ બની જતાં થઈ રહ્યા’તા દરરોજ અકસ્માત
રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઢોર માટે અડ્ડો બની ગયો હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા હતા. સત્તાવાર આંકડા પ્રમાણે એક મહિનાની અંદર અહીં ૯ અકસ્માત થયા છે અને તેમાં ત્રણ લોકોના મોત થયા હોવાની વિગતો તેમજ હાઈ-વે પર ઢોરનો ત્રાસ કેટલી હદે વકરી ગયો છે તે સહિતનો અહેવાલ `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરાતાં જ તંત્ર એક્શનમાં આવી ગયું છે. આ અંગે એક બેઠક મળી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજકોટની હદ જ્યાં સુધી આવે છે ત્યાં સુધીના હાઈ-વે ઉપર એક પણ ઢોર રસ્તા પર બેઠેલું જોવા મળશે એટલે તેના માલિકને આકરો દંડ ફટકારી ઢોર જપ્ત કરી લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતનાની એક બેઠક મળી હતી જેમાં હાઈ-વે પર ઢોરના અડ્ડા અંગેનો રિપોર્ટ તેમજ આ ન્યુસન્સ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે સહિતના મુદ્દા ચર્ચાયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા માલિયાસણ, કૂવાડવા સહિતના ગામો કે જ્યાં ઢોરની વસતી વધારે છે તેમના સરપંચ સાથે બેઠક કરવામાં આવી હતી અને તેમને આ ન્યુસન્સ ઘટાડવા માટે આકરાં શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી સાથે સાથે હવેથી જો હાઈ-વે પર ઢોર બેઠેલું જોવા મળશે એટલે તેને જપ્ત કરી તેના માલિકને દંડ ફટકારવાની ટકોર પણ કરાઈ હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ ગામના સરપંચ દ્વારા માલધારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને તેમાં ઢોરને પોતાની જગ્યામાં જ બાંધીને રાખવા અને છૂટા ન મુકવા આદેશ આપવામાં આવ્યો હતો.
મેં કૂવાડવા હાઈ-વે પર ઘાસનું વેચાણ કરતાં બે થડા બંધ કરાવ્યા: સરપંચ
આ અંગે કૂવાડવા ગામના સરપંચ સંજય પીપળીયાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત કચેરી તરફથી આદેશ મળતાં જ મેં તાત્કાલિક અસરથી કૂવાડવા હાઈ-વે પર ઘાસનું વેચાણ કરતાં બે થડાં બંધ કરાવ્યા હતા. ઢોર હાઈ-વે પર બેસતાં હોવા પાછળ આ થડાં જવાબદાર હોવાથી તેને બંધ કરાવાયા છે. આ ઉપરાંત માલધારીઓને પણ ઢોર રેઢું ન મુકવા ટકોર કરવામાં આવી છે. જો કે હાઈ-વે પર બેઠેલા ૮૦% ઢોર નધણિયાત હોવાથી તેને જપ્ત કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે.