રાજકોટમાં ધો.9 અને ધો.12ની છાત્રાએ કરી આત્મહત્યા
પરસાણા નગરમાં રહેતી તરૂણીએ ફાંસો ખાઈ અને નવા થોરાળા વિસ્તારમાં રહેતી સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : બંનેના કારણ અંગે રહસ્ય
રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં રહેતી બે છાત્રાએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.જેમાં પરસાણાનગરની ધો. 9 ની છાત્રાએ ગળેફાંસો ખાઈ અને થોરાળામાં ધો. 12ની છાત્રાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું અને આ મામલે પોલીસે બંનેના આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથધરી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગરમાં રહેતી અને સત્યપ્રકાશ સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતી ભક્તિબેન વિજયભાઈ ટિમાણીયા નામની 14 વર્ષની તરૂણી પોતાના ઘરે હતી ત્યારે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક ભક્તિબેન ટિમાણીયા એકભાઈ બે બહેનમાં મોટી હતી. અને ધો. 9 માં અભ્યાસ કરતી હતી. ભક્તિબેનના પિતા વિજયભાઈ ટિમાણીયા જામનગર એરફોર્સમાં કુક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતી અને સ્વામીનારાયણ સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતી જાનવીબેન રમેશભાઈ વાળા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારે ઝેરેી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક જાનવીબેન વાળા બે ભાઈ બે બહેનમાં વચેટ હતી અને ધો. 12માં અભ્યાસ કરતી હતી તેના પિતા ડ્રઈવીંગ કામ કરી ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને બનાવમાં આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ કરી છે.