શાનથી લહેરાશે ત્રિરંગો..લાલકિલ્લા ઉપર વડાપ્રધાન મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન
આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે દેશભરમાં થશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
- આતંકવાદી જૂથોની ધમકી બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
નવી દિલ્હી
દેશની રાજધાની નવી દિલ્હી સહીત દેશભરમાં આજે ૧૫ ઓગસ્ટના દિવસે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આનંદ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી થવાની છે. મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આન-બાન અને શાનથી ત્રિરંગો લહેરાવશે. આ સિવાય દેશભરમાં ગામેગામ ધ્વજવંદનના કાર્યક્રમો અને સંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એક તરફ આતંકી જૂથો દેશની રાજધાનીમાં અને અન્ય સ્થળોએ ગરબડી ઉભી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને બીજી તરફ હુમલાની ધમકી પણ આપી રહ્યા છે ત્યારે આ ઉજવણીમાં કોઈ અડચણ ન આવે તે માટે તમામ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી ભારતની શાન સમાન ત્રિરંગો ફરકાવશે અને સલામી આપશે. આ પછી તેઓ દેશને સંબોધન કરશે. આ સંબોધનની થીમ વિકસિત ભારત છે અને તેઓ આગામી યોજનાઓની જાહેરાત પણ કરશે.
આ કાર્યક્રમમાં ૧૮ હજાર જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ધ્વજવંદન પૂર્વે સંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે અને એરફોર્સની ફ્લાય પાસ્ટ પણ થશે.