સેબીના વડાએ જવાબમાં જ રોકાણની કબૂલાત કરી લીધી
હીંડનબર્ગનો બીજો હુમલો; મોરેશિયસ, બરમુડામાં રોકાણ કર્યું હતું
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે શનિવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા હતા. માધવી દ્વારા પોતાની સામે લાગેલા આરોપો પર ખુલાસો કરાયા બાદ હિંડનબર્ગે નવી પોસ્ટમાં કહ્યું હતું કે સેબી ચીફ માધવીના જવાબથી એ વાતની પુષ્ટી થાય છે કે બરમુડા/ મોરેશિયસના ફંડમાં તેમણે રોકાણ કર્યું હતું અને આ એ જ ફંડ છે જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કરતા હતા.
આરોપ એ છે કે વિનોદ અદાણી આ ફંડની મદદથી અદાણી ગ્રુપના શેર્સની કિંમતોને વધારવા માટે કામ કરતા હતા. હિંડનબર્ગે કહ્યું કે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી મામલે આ ઓફશોર ફંડની તપાસ કરવા માટેની જ કામગીરી સોંપાઈ હતી.
હિંડનબર્ગે તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં નવો દાવો કર્યો હતો. તેણે કહ્યું કે સેબી પ્રમુખે તેમની સ્પષ્ટતામાં કેટલાક આરોપો સ્વીકારી લીધા છે. સેબીના પ્રમુખની પોસ્ટ પરથી બરમુડા મોરેશિયસ ફંડમાં સેબી ચેરપર્સનના રોકાણની પુષ્ટિ થઈ ગઈ છે. આ સાથે અગોરા એડવાઇઝરી લિમિટેડના અધિકારો માધવી પાસે છે.
આ ઉપરાંત હિંડનબર્ગે દાવો કર્યો હતો કે 16 માર્ચ 2022 સુધી અગોરા પાર્ટનર્સ સિંગાપોરના 100 ટકા શેરધારક માધવી બુચ જ હતા. હિંડનબર્ગે દાવો કર્યો કે બુચે એ સ્પષ્ટતા કરી હતી કે આ ફંડનું સંચાલન તેમના પતિના બાળપણના એક મિત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું જે તે સમયે અદાણીમાં ડિરેક્ટર પદે હતા. સેબીને અદાણી કેસમાં ઇન્વેસ્ટમેન્ટ ફંડની તપાસ સોંપાઈ હતી જેમાં એ ફંડ સામેલ હતા જેમાં બુચે અંગત રોકાણ કર્યું હતું અને એ ફંડ પણ સામેલ હતા જેમના વિશે અમે ઓરિજનલ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો.