સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી
સાસણ
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણી કરી હતી.મુખ્યમંત્રી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાનની સંકલ્પનાને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘વિશ્વ સિંહ દિવસ’ જેવાં દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે છે પરંતુ આવા કાર્યક્રમમાં આવવાથી વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન-સંવર્ધનની એક શીખ પણ મળશે તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું મોટું કદમ લેખાશે.‘વિશ્વ સિંહ દિવસ’ના ઉપલક્ષમાં વનવિભાગ દ્વારા ૭૫ લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને ૩ લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે.
તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ‘ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ અવસરે, સાસણ ગીર ખાતે સિંહ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.