દેશના અનેક રાજ્યમાં વરસાદે મચાવી તબાહી : પૂર, ભુપ્રપાતના કારણે 17થી વધુના મોત
- યુપીમાં ગંગાઘાટ પરના મંદિરો ડૂબ્યાં : નૈનીતાલમાં ઘરોમાં તિરાડો, અલ્હાબાદમાં 1200 ઘરોમાં પાણી ઘૂસ્યા : રાજસ્તથાનમાં તબાહી , દિલ્હીમાં ભારે વરસાદ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદ, પૂર અને ભુપ્રપાતને લીધે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ હતી. દિલ્હી, રાજસ્થાન, યુપી, હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં અનેક સ્થળે ભારે તબાહી શનિવારે પણ જોવા મળી હતી. રાજસ્થાનમાં 24 કલાકમાં 12 લોકોના મોત થયા હતા. નૈનિતાલમાં ઘરોમાં અને મંદિરોમાં તિરાડો પડી હતી. અનેક રાજ્યોમાં નદી નાળા ફૂલ થઈ ગયા હતા. સેંકડો માર્ગો બંધ પડી ગયા હતા. બિહારમાં 5 ના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. બલિયા-વારાણસીમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વારાણસીમાં બીજા દિવસે પણ 85 ઘાટો પર બોટ દોડી હતી. ગંગાની ઊંચી લહેરો સામે લોકોને ચેતવણી અપાઈ હતી. દિલ્હીમાં અને નોઇડામાં ભારે વરસાદ બાદ અનેક સ્થળે પાણી ભરાયા હતા.
જમ્મુ કશ્મીરના રાજૌરીમાં પણ ભુપ્રપાતને પગલે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી અને અનેક માર્ગો બંધ થઈ ગયા હતા. બધા જ અસરગ્રસ્ત રાજ્યોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ રાહત કાર્યમાં જોડાયા હતા.યુપીમાં ઘાટના કિનારે આવેલા 500થી વધુ મંદિરો પણ ગંગામાં ડૂબી ગયા હતા. ગંગા અને યમુના નદીનું પાણી પ્રયાગરાજમાં 1200 ઘરોમાં ઘૂસી ગયું હતું. શહેરના લગભગ 5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
બીજી તરફ બિહારમાં ગંગા અને ગંડક સહિતની ઘણી નદીઓ તણાઈ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ચંપારણ, સુપૌલ, નાલંદા અને ગયા જિલ્લાની 4 હજાર વસ્તી પૂરની ઝપેટમાં છે.બિહારમાં પણ છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક રાજ્યોમાં તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે.