અગ્નિકાંડના પીડિતો રાજકીય હાથો નહી બને
રાજકોટ-સુરત અગ્નિકાંડના મૃતકોના પરિજનો કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’માં નહીં જોડાય
રાજ્યભરમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસે યાત્રાનો પ્રારંભ કરાયો છે પરંતુ રાજકોટ અને સુરત અગ્નિકાંડનાં પીડિત પરિવારોએ આ યાત્રામાં જોડાવાનો ઇનકાર કરતા કોંગ્રેસને ફટકો લાગ્યો છે. પીડિત પરિવારોએ કહ્યુ છે કે અમે ન્યાય માટે લડી રહ્યા છીએ પણ અમે કોઈનો રાજકીય હાથો બનવા નથી માંગતા.
રાજકોટના ટી.આર.પી. અગ્નિકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના પીડિતોને ન્યાયયાત્રામાં આમંત્રણ અપાયું હતું, પરંતુ તેઓએ આ ન્યાયયાત્રામાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.
આ અંગે સુરતના પીડિત પરિવારોએ કહ્યું છે કે, 5 વર્ષ પહેલા આ ઘટના બની હતી, ત્યાં સુધી રાહુલ ગાંધી દેખાયા નહીં, હવે આ મુદ્દો રાજકીય થવા દેવો નથી. આટલા વર્ષોમાં અમે રાજકારણને આ કેસમાં ઘુસવા દીધું નથી. માટે આ મુદ્દે રાજકીય લાભ ખાટવા ઈચ્છે તો તે અમને સ્વીકાર્ય નથી. કોર્ટ કેસમાં સપોર્ટ કરવો હોય તો કરી શકે છે, પરંતુ અમે રાજકીય રીતે જોડાવા ઈચ્છતા નથી.
બીજી બાજુ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં મૃતકના 27માંથી 15થી 17ના પરિવારોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા ન હોવાનું નિવેદન આપ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ન્યાય યાત્રાથી કોઈ ન્યાય નહીં મળે, ન્યાય કોર્ટ આપશે, અમે આ ઘટનામાં રાજકારણ થવા દેવા માંગતા નથી. સરકારે અમારી તમામ માંગણીઓ સ્વીકારી છે, અમારા માટે ન તો તિરંગા યાત્રા કે ન્યાય યાત્રા જરૂરી છે, અમને ન્યાય જોઈએ છે જે અમને સરકારની તપાસમાં વિશ્વાસ છે. ખાસ છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચવા જઈ રહી છે.
