વિપક્ષોએ તો સંસદનો બહિષ્કાર કરે પણ.. વિનેશ ફોગટ મુદ્દે રાજ્ય સભામાં ધમાલ થતા ખુદ અઘ્યક્ષ વોકઆઉટ કરી ગયા!
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષો તો સંસદનો બહિષ્કાર કરે પણ ગુરુવારે બનેલી એક અભૂતપૂર્વ ઘટનામાં રાજ્યસભામાં ખુદ અધ્યક્ષ જગદીશ ધનખડે પોતે થોડીવાર માટે અધ્યક્ષની ખુરશી છોડી અને ચાલ્યા ગયા હતા.
ગુરુવારે રાજ્ય સભામાં વિનેશ ફોગટ મુદ્દે ચર્ચા કરવાની માંગણી ન સંતોષાતા વિપક્ષોએ સદનનો બહિષ્કાર કર્યો હતો. એ પહેલા કોંગી નેતાઓ અને અધ્યક્ષ જગદીશ ધનખડ વચ્ચે તણખા ઝર્યા હતા. સદનમાં ખડખડાટ હસવાની કોંગી નેતા જયરામ રમેશ ની આદતની ટીકા કરી અધ્યક્ષે કહ્યું કે તમે મને નહીં પણ અધ્યક્ષના પદ ને પડકારી રહ્યા છો. એ તબક્કે અધ્યક્ષની ખુરશીની ડાબી બાજુથી કોમેન્ટ થયા બાદ તેમણે કહ્યું કે હવે મારા માટે એક જ વિકલ્પ છે. આજે અહીંયા મેં જે કંઈ જોયું તે પછી હું માનું છું કે આ સ્થાન ઉપર હું મારી જાતને જોઈ શકતો નથી. એટલું કહી બે હાથ જોડીને તેઓ અધ્યક્ષની ખુરશી છોડીને ચાલ્યા ગયા હતા.
જોકે થોડીવાર પછી તેઓ પરત ફર્યા હતા અને કહ્યું કે હું આત્મમ મંથન કરવા ગયો હતો. બાદમાં તેમણે ફ્લોર લીડર્સ ની બેઠક બોલાવી હતી. એ પૂર્વે વિનેશ ફોગટ મુદ્દે ચર્ચા કરવાની માગણી કરનાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ટીએમસીના સાંસદ ડેરેક ઓ ‘ બેરેનને તેમણે કડક ઠપકો આપીને બેસાડી દીધા હતા. અને ડેરેક ઓ ‘ બેરેન બીજી વખત બરાડા પાડશે તો સંસદમાંથી બહાર કાઢી મૂકવાની ચેતવણી આપી હતી.