સાગર ખેડૂત આ તારીખથી દરિયો ખેડશે, જાણો રાજ્ય સરકારના નિર્ણય વિશે
ગાંધીનગર
ગુજરાતમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખીએ તા. ૧ જૂન થી ૩૧ જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સીઝન જાહેર કરવામાં આવી હતી.પ્રવર્તમાન સમય અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા ૫-૭ વર્ષોથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતી દિવસો દરમિયાન દરિયામાં લોપ્રેસર અને તોફાનો આવતા હોય છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસીએશનો દ્વારા કરવામાં આવી હતી.
આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ રાજ્યમાં તા. ૧ ઓગસ્ટથી શરૂ થતી સીઝનમાં દરિયાઈ તોફાનોને કારણે કોઈપણ માછીમાર ભાઈઓને જાન-માલની નુકશાની ન સહન કરવી પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે તા. ૧ ઓગસ્ટના બદલે તા. ૧૫ ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસીએશનો દ્વારા મુખ્યમંત્રી તેમજ મત્સ્યોદ્યોગ મંત્રીનું અભિવાદન કર્યું હતું.