બાંગ્લાદેશમાં બે હિન્દુ નેતાઓની હત્યા: મંદિરોમાં ભારે તોડફોડ
બંને નેતા શાસક પક્ષ અવામી લીગના સભ્ય હતા
બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલતા હિંસક આંદોલનમાં હવે હિન્દુ નાગરિકો પણ નિશાન બનવા લાગ્યા હોય તેમ રવિવારે બે અલગ અલગ ઘટનાઓમાં બે હિંદુ કોર્પોરેટરોની હત્યા થઈ હતી અને અનેક મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રવિવારે રંગપુર શહેરમાં એ શહેરના હિન્દુ કોર્પોરેટર હરાદાન રોય ની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એ જ શહેરના બીજા હિંદુ કોર્પોરેટર કાજલ રોયને પણ ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આ બંને હિન્દુ નેતાઓ શાસક પક્ષ અવામી લીગના સભ્ય હતા.
મૂળભૂત રીતે વિદ્યાર્થીઓએ શરૂ કરેલા આ આંદોલનનો હવે તોફાની તત્વો અને કટરવાદીઓએ કબજો લઈ લીધો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે અને હવે હિન્દુ મંદિરો ઉપર પણ હુમલા નો દોર શરૂ થયો છે. રવિવારે ઇસ્કોન મંદિર અને કાલી મંદિર સહિત અનેક મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પરિણામે પૂજારીઓ તથા ભાવિકોને અન્ય સ્થળે આશ્રય લેવાની ફરજ પડી હતી.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં સિવિલ વોર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી થઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં 100 લોકોના મૃત્યુ થયા હતા. તોફાનો એટલા ભયંકર છે કે એક જ પોલીસ ચોકીમાં એક સાથે 13 પોલીસમેન ની હત્યા થઈ હતી.