LCB ઝોન-2ની ટીમે 24 કલાકમાં ભેદ ઉકેલ્યો
પરાબજારમાં સેલ્સ એજન્સીમાં હાથ સાફ કરનાર પૂર્વ કર્મચારી સહિત ચાર પકડાયા
મોજ શોખના પૈસા ખૂટતા તસ્કરોએ બ્લેડ,ક્રીમ,મેગી અને હેર કલરના બોક્ષ મળી 4.40 લાખની મતા ચોરી કરી હતી: સામાન અને રિક્ષા મળી 5.28 લાખનો મુદામાલ કબજે
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલી મહેતા એજન્સીમાંથી બ્લેડ,ક્રીમ,મેગી અને હેર કલરના બોક્ષ મળી 4.40 લાખની ચોરીનો ભેદ એલસીબી ઝોન-2 ની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી પૂર્વ કામર્ચારી સહિત ચાર શખસોને ઝડપી લીધા હતા. અને ટીમે ચોરીનો તમામ મુદામાલ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લીધેલી રીક્ષા સહિત 5.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને મોજ શોખના પૈસા ખૂટતા તેઓએ ચોરીને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટમાં તસ્કરોની રંજાડ ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં નાની-મોટી ચોરીઓ થઈ રહી છે. આવી જ એક નોંધપાત્ર ચોરી રૈયા નાકા ટાવર પાસે આવેલી મહેતા એજન્સીમાં થવા પામી હતી. જેમાં દુકાન માલિક નિલેશ શશીકાંતભાઈ મહેતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,કે શનિવારે સવારે પોણા નવ વાગ્યે તેના પિતાનો એજન્સીમાં ચોરી થયા અંગેનો ફોન આવતાં તે અને મોટોભાઈ નિખીલ દુકાન પર દોડી આવ્યા હતા. આ પછી દુકાનમાં ચેક કરતાં કેમેરો લટકતી હાલતમાં જોવા મળ્યો હતો સાથે સાથે ગલ્લામાં દસેક હજારની રોકડ પડી હતી તે પણ ગાયબ હતી.
આ ઉપરાંત દુકાનમાં રહેલી અલગ-અલગ કંપનીની સેવિંગ બ્લેડના ૧૬૨૦ પેકેટ કે જેની કિંમત ૨.૨૮ લાખ ચોકલેટના ત્રણ કાર્ટુન, હેર કલરના પાંચ કાર્ટુન, માચીસના દસ બોક્સ, ફેસ ક્રિમના ૨૮ કાર્ટુન અને મેગીના કાર્ટુન મળી ૪.૩૦ લાખની વસ્તુઓ ચોરી ગયા હતા.ત્યારે આ મામલે એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથધરી હતી. પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી તપાસ કરી હતી.અને તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર કિશન લાલજીભાઈ ગેડાણી (ઉ.વ 25 રહે. જંગલેશ્વર શેરી નંબર 21 તથા પોપટપરા), ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનો ઉર્ફે કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ 27 રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરી નંબર 1/4 નો ખૂણો), ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ 26 રહે. પોપટપરા મેઇન રોડ, રઘુનંદન શેરી નંબર 5) અને સદામ જાવીદઅલી અંસારી (ઉ.વ 20 રહે. જંગલેશ્વર શેરી નંબર 25, મૂળ યુપી)ને દબોચી લીધા હતા.અને પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ માલ અને ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી રીક્ષા સહિત 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં જણાવ મળ્યું હતું કે,આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો અગાઉ છ વર્ષ પૂર્વે મહેતા એજન્સીમાં નોકરી કરતો હોય જેથી તે દુકાનની જગ્યાથી વાકેફ હતો જ્યારે અન્ય આરોપીઓ તેના મિત્રો હોય ચારેય આરોપીઓએ મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. રીક્ષા લઇ અહીં પહોંચી દુકાનની પાછળની શેરીમાંથી થાંભલા મારફત બીજા માળે જઈ બારીની ગ્રીલ તોડી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.જ્યારે આ કામગીરીમાં એલસીબી ઝોન-2 ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરીમાં એ.એસ.આઇ જયંતી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેશ મિયાત્રા, રાહુલ ગોહેલ, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્ર વાઘીયા,કુલદીપસિંહ રાણા, શક્તિસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા,અજય બસીયા અને કોન્સ્ટેબલ ધારા ગઢવી સાથે રહ્યા હતા.