દેશના ટોચના બિઝનેસમેન ગૌતમ અદાણીએ શું બનાવી છે યોજના ?
દેશ અને દુનિયાના ટોચના બિઝનેસમેન ગૌતમ અદાણી 70 વર્ષની વયમાં નિવૃત્ત થઈ જવાનો પ્લાન બનાવી રહ્યા છે. એમનો વિચાર એવો છે કે 2030ના પ્રારંભે જ તેઓ પોતાના પુત્રોને અદાણી ગ્રૂપની કમાન સોંપી દેશે. ગૌતમ અદાણીની વય અત્યારે 62 વર્ષ છે. આમ તેઓ આગામી 8 વર્ષ સુધી સક્રિય રહેશે.
બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલી મુલાકાતમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ આ જાણકારી આપી હતી. ગૌતમ અદાણીની યોજના મુજબ, તેમના પછી ગૃપનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમના પુત્રો અને ભત્રીજાઓના ખભા પર આવશે. આ ફેરફારનો અમલ 2030થી શરૂ થઈ શકે છે.
દીકરા અને ભત્રીજા સક્રિય છે
અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની નિવૃત્તિ પછી અદાણી ગૃપનું લાખો કરોડનું બિઝનેસ સામ્રાજ્ય તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણી અને સાગર અદાણી સંભાળશે. ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે જીત અદાણી એરપોર્ટનું કામકાજ સંભાળી રહ્યા છે. એ જ રીતે પ્રણવ અદાણી હાલમાં અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર છે, જ્યારે સાગર અદાણીને અદાણી ગ્રીન એનર્જીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ મળ્યું છે.
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીની નિવૃત્તિ પછી ચારેય વારસદારોને ગૃપમાં સમાન જવાબદારી મળી શકે છે. તેમના પછી ગૃપના ચેરમેનની જવાબદારી તેમના મોટા પુત્ર કરણ અદાણી અથવા ભત્રીજા પ્રણવ અદાણીને મળી શકે છે. , વારસાનું ટ્રાન્સફર અદાણી ફેમિલી ટ્રસ્ટ દ્વારા થઈ શકે છે.