Paris Olympics : ભારતે બ્રિટનને કર્યું પેનલ્ટી `શૂટઆઉટ’ ; સેમિફાઈનલમાં પ્રવેશ
- ૧૦ ખેલાડી સાથે રમવા છતાં બ્રિટનને ફાવવા ન દીધું
- નિર્ધારિત ૯૦ મિનિટમાં બન્ને ટીમના ગોલ ૧-૧ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી મેળવી જીત
- હવે ૬ ઑગસ્ટે જર્મની અથવા આર્જેન્ટીના સામે મુકાબલો
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
ભારતીય પુરુષ હોકી ટીમ સળંગ બીજી વખત ઓલિમ્પિકના સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. એક અત્યંત રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં ચમત્કાર કરતા કેપ્ટન હરમનપ્રિત સિંહની ટીમે ગ્રેટ બ્રિટનને શૂટ આઉટમાં ૪-૨થી હરાવ્યું હતું. હવે ભારતનો સેમિફાઈનલ મુકાબલો છ ઑગસ્ટે જર્મની અથવા આર્જેન્ટીના વચ્ચે થશે. મુખ્ય ડિફેન્ડર અમિત રોહિદાસ વગર અડધી મેચ રમવા છતાં ટીમે જીત હાંસલ કરી હતી. મેચનું પરિણામ શૂટઆઉટમાં નીકળ્યું હતું કેમ કે નિર્ધારિત ૯૦ મિનિટ સુધી બન્ને ટીમ ૧-૧ની બરાબરી પર હતી આ પછી ભારતીય દિગ્ગજ ગોલકિપર પી.આર.શ્રીજેશે પોતાના અનુભવનો ફાયદો લઈને શૂટ લઈને ભારતીયોની આશા તૂટવા દીધી ન્હોતી.
મેચ શરૂ થયાની પાંચમી મિનિટમાં ગ્રેટ બ્રિટનને સળંગ બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. બન્ને વખતે અમિત રોહિદાસે ચપળતાથી ડિફેન્સ કર્યું હતું. આ પછી પ્રથમ ક્વાર્ટરની ૧૩મી મિનિટમાં ભારતને સળંગ ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ કેપ્ટન હરમનપ્રિત તેમાં સફળ થઈ શક્યો ન્હોતો. બીજું ક્વાર્ટર શરૂ થતાં જ રેફરીએ અમિત રોહિદાસને રેડકાર્ડ આપીને બહાર કરી દીધો હતો જેના કારણે ભારતે મેચમાં ૧૧ની જગ્યાએ ૧૦ ખેલાડી સાથે રમવું પડ્યું હતું. અમિતની ગણતરી દુનિયાના સૌથી ફાસ્ટ પેનલ્ટી કોર્નર રશર તરીકે થાય છે. પોતાના મહત્ત્વના ડિફેન્ડર વગર રમતાં ભારતે ગ્રેટ બ્રિટનને એક પણ ગોલ કરવા દીધો ન્હોતો જે અત્યંત મહત્ત્વની વાત છે.
મેચનો પહેલો ગોલ ભારત તરફથી આવ્યો હતો. ૨૨મી મિનિટમાં કેપ્ટન હરમનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નરમાં સફળતા હાંસલ કરી હતી. કેપ્ટન હરમનપ્રિત સિંહે રેડ કાર્ડનો જવાબ ગોલથી આપ્યો હતો પરંતુ ભારતની આ લીડ વધુ સમય સુધી ટકી શકી ન્હોતી કેમ કે ૨૭મી મિનિટમાં ગ્રેટ બ્રિટેને બરાબરી કરી લીધી હતી. સળંગ વધી રહેલા દબાણ વચ્ચે ભારતીય ડિફેન્સ આ વખતે વિખેરાઈ ગયું હતું. એક ખેલાડીની કમી સ્પષ્ટ વર્તાઈ રહી હતી. ૩૬મી મિનિટમાં ગ્રેટ બ્રિટનને સળંગ બે પેનલ્ટી કોર્નર મળ્યા આ પછી ૩૮મી મિનિટે પણ પેનલ્ટી કોર્નર મળ્યું હતું. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી મુકાબલો ૧-૧ની બરાબરી પર રહ્યા બાદ મુકાબલો શૂટઆઉટમાં ગયો હતો.
