રાજકોટના પાંચ યુવાનો હજુ પણ કેદારનાથમાં ફસાયેલા
ખરાબ હવામાન વચ્ચે રાજકોટ અને જામકંડોરણાના બે યુવાન દોરડા વડે નીચે આવ્યા
રાજકોટ : ભારે વરસાદ અને વાદળ ફાટવાથી કેદારનાથ યાત્રાએ ગયેલા રાજકોટ જિલ્લાના સાત યુવાનો ફસાયા હોવાની માહિતી બાદ રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્ય સરકારને જાણ કર્યા બાદ સેટેલાઇટ ફોન મારફતે આ યુવાનોનો સંપર્ક સાધવામાં આવતા તમામ યુવાનો સહી સલામત હોવાનું અને સાત પૈકી બે યુવાનો હિંમત પૂર્વક દોરડા વડે નીચે ઉતરી ગયા હતા, જો કે, હજુ પણ પાંચ યુવાનો ખરાબ હવામાનને કારણે ફસાયેલા હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તારમાંમોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના વતની પારસભાઈ દોંગા, અંકિત ગોયાણી, રાજકોટના કલ્પેશભાઈ સંચણિયા,જીગ્નેશ ભાઈ સંચણિયા, યતીન ભાઈ મકવાણા, કમલેશ ભારદીયા અને ગોંડલના કેતન રાણપરા કેદારનાથયાત્રાએ ગયા બાદ ગત તા.31થી તેઓનો સંપર્ક થઇ શકતો ન હોવાનું તેમના સંબંધી હાર્દિકભાઈ ભટ્ટીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં જાણ કરતાં આ મામલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરવામાં આવતા ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરી માત્ર 45 મિનિટના સમયગાળામાં જ તમામ યુવાનોનો સેટેલાઇટ ફોનથી સંપર્ક કરી લેવામાં આવ્યો હતો.
બીજી તરફ કેદારનાથમાં ફસાયેલા આ સાત યુવાન પૈકી રાજકોટના કમલેશ ભારદીયા અને જામ કંડોરણાના અંકિત ગોયાણી હિંમતપૂર્વક દોરડા પકડી સલામત રીતે નીચે આવી ગયા હતા જયારે અન્ય પાંચ યુવાનો દોરડા પકડી નીચે ઉતરવાની હિંમત ન દાખવી શકતા હજુ કેદારનાથમાં ફસાયેલા હોવાનું અને હવામાન સારું થયા બાદ હેલીકૉપટરથી રેસ્ક્યુ કરવામાં આવનાર હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું.
