મહાપૂજાધામ ચોક પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતા આશાસ્પદ યુવકનું મોત: એકની હાલત ગંભીર
બંને મિત્રો રાત્રિના સમયે ઘરે પરત ફરતા હતા ત્યારે બની ઘટના, મૃતક સાયલાના ધજાળા ગામનો વતની,રાજકોટ નોકરીની શોધમાં આવ્યો ‘તો
શહેરના મવડી વિસ્તારમાં રહેતો અને નોકરીની શોધમાં આવેલો સાયલા તાલુકાના ધજાળા ગામના યુવક અને તેનો મિત્ર મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન 150 ફૂટ રીંગ રોડ મહાપુજાધામ ચોક નજીક બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતાં ચિરાગ રવિયા નામના યુવકનું મોત નિપજ્યું હતું.
વિગતો અનુસાર, શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને મૂળ સાયલા તાલુકાના ધજાળા ગામનો ચિરાગ ધર્મેન્દ્રભાઈ રાવિયા (ઉં.વ. 26) અને તેના મિત્ર આદિત્ય દીપુભાઈ આહીર (ઉં.વ.19) બંને જ્યારે વ્હેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યાં હતાં. દરમીયાન ૧૫૦ ફૂટ રીંગ રોડ નજીક મહાપુજા ધામ ચોક સર્કલ પાસે પહોંચતા અચાનક બાઇક ધડાકાભેર અહી ઉભેલા બંધ ટ્રકની પાછળ અથડાઈ હતી. અકસ્માત સર્જાતા બંને યુવકોને રાહદારીઓએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબે ચિરાગને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જે બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં આદિત્યને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણ થતાં માલવીયા પોલીસે મથકના હેડ કોન્સ્ટેબલ અરુણ ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ મૃતકના વાલી વારસાને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મૃતક ચિરાગ પોતાના વતન ધજાળાથી રાજકોટ નોકરીની શોધમાં આવ્યો હતા તેમજ મવડી વિસ્તારમાં રૂમ રાખીને રહેતો હતો ઉલ્લેખનીય છે કે, શહેરની ધોળી નશ ગાળતા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મોડી રાત્રે ટ્રક ચાલકો પાર્કિંગ સ્પેસમાં નહિ પણ રોડ પર જ પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે. પખવાડીયા પૂર્વે જ રાત્રિના સમયે પ્રોઢા પર ટ્રક ફરી વળતાં મોત નિપજ્યું હતું.ત્યારે જાહેર રોડ પર રાત્રિના સમયે બેફામ પાર્કિંગ કરતા ટ્રક ચાલક સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું.