ગડકરીએ નાણામંત્રી સમક્ષ શું કરી મહત્વની માંગણી ? જુઓ
કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા જેવું છે અને તે ક્ષેત્રના વિકાસને વિપરીત અસર કરશે.
ગડકરીએ તેમના 28 જુલાઈના પત્રમાં જણાવ્યું હતું કે, “તમને જીવન અને તબીબી વીમા પ્રિમીયમ પરના જીએસટીને દૂર કરવાના સૂચનને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવા વિનંતી છે કારણ કે તે વરિષ્ઠ નાગરિકોને પણ અસર કરશે.”
જીવન અને તબીબી વીમા પ્રિમીયમ બંને પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. મંત્રીએ કહ્યું, “તે જ રીતે, તબીબી વીમા પ્રીમિયમ પર લાદવામાં આવતો 18 ટકા જીએસટી આ સેગમેન્ટના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે.”
કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું
નાગપુર ડિવિઝનલ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને ઉદ્યોગને પડતી સમસ્યાઓને હાઇલાઇટ કરતા મંત્રી નીતિન ગડકરીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. જેના જવાબમાં ગડકરીએ નાણામંત્રીને પત્ર લખ્યો હતો. ગડકરી લોકસભામાં નાગપુરનું પ્રતિનિધિત્વ કરે છે.
યુનિયન માને છે કે જે વ્યક્તિ તેના પરિવારને જીવનની અનિશ્ચિતતાઓથી બચાવવા માટે જીવન વીમા કવર લે છે, તેને આ જોખમ સામે રક્ષણ આપવા માટે કવર માટેના પ્રીમિયમ પર ટેક્સ લાગવો જોઈએ નહીં. ટેક્સ અંગે નિર્ણય લેવા માટે જીએસટી કાઉન્સિલની બેઠક ઓગસ્ટમાં યોજાશે. તેની છેલ્લી બેઠક 22 જૂને મળી હતી.