મંત્રીઓ અને ભાજપના નેતાઓ આદિવાસી વેશમાં જોવા મળશે
૯ ઓગસ્ટે ૨૭ આદિવાસી બેઠકો ઉપર યોજાશે કાર્યક્રમ : બધા મહાનુભાવો આદિવાસીઓની વચ્ચે જ રહેશે
9 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ આદિવાસી વેશમાં જોવા મળશે. આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ કરવાનું નક્કી કરાયું છે. ગુજરાત વિધાનસભાની તમામ 27 આદિવાસી બેઠકો ઉપર આદિવાસી દિવસની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ આદિવાસી લોકોની વચ્ચે જ રહેશે અને બપોરનું ભોજન પણ આદિવાસી સમુદાયના લોકોના ઘરે કરશે. પહેરવેશ અને ભોજન પારંપરિક આદિવાસી સમુદાયનું રહેશે.
ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની 8.1 ટકા વસ્તી ગુજરાતમાં છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં 89 લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. 3,410 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રૂ. 770.19 કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ’વન બંધુ કલ્યાણ યોજના-2’ હેઠળ વર્ષ 2021-22 થી 2025-26 સુધીમાં રૂ. 1 લાખ કરોડની અંદાજપત્રીય જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે. આદિવાસીઓની પ્રવૃત્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતે “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.
યુનાઇટેડ નેશન્સ (UN) વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ ઓળખાય છે, આ ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે સ્વદેશી લોકો જે સિદ્ધિઓ અને યોગદાન આપે છે તેને પણ માન્યતા આપે છે.
દર વર્ષે આ દિવસે સ્વદેશી યુવાનો અને તેમના વિકાસમાં રોકાયેલા સરકારી-બિન-સરકારી સંગઠનો તેમના લોકોના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. સ્વદેશી યુવાનો સામાજિક પરિવર્તન માટેની ચળવળોમાં મોટાભાગે મોખરે હોય છે. તેઓ જાગૃતિ લાવવા માટે અવાજ ઉઠાવે છે. તેઓ તેમની કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ તેમના સમુદાયોમાં લોકોના ભલા માટે તેમના સમુદાયો સામેના પડકારોનો સામનો કરવા માટે કરે છે.