દુનિયામાં અમીરોની આવકમાં બેફામ વધારો, ટેક્સ ઓછો ભરે છે !
ઓસફામના અહેવાલમાં ચોંકાવનારી વિગતો ખૂલી ; 10 વર્ષમાં અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયન ડોલરનો ઉછાળો આવ્યો
છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં $42 ટ્રિલિયનનો વધારો થયો છે. વિશ્વના ધનિકોએ $42 ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં 36 ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું કે આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજોપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર 0.5 ટકા ટેક્સ ચૂકવે છે.
80% અબજોપતિઓ G-20 દેશોમાં રહે છે
બ્રાઝિલમાં આયોજિત G20 સમિટ પહેલા બિન-લાભકારી સંસ્થા તરીકે કામ કરતી સંસ્થા દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વભરના એક ટકા અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વિશ્વના અબજોપતિઓએ જે 42 ટ્રિલિયન ડોલરની સંપત્તિ ઊભી કરવામાં સફળતા મેળવી છે તે વિશ્વની સૌથી ગરીબ વસ્તીના 50 ટકા લોકોની સંપત્તિ કરતાં 36 ગણી વધુ છે. આ અબજોપતિઓમાંથી 80 ટકા G-20 દેશોમાં રહે છે.
અબજોપતિઓ પર ટેક્સનો બોજ ઘટ્યો
અહેવાલમાં જણાવ્યું છે કે આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની કર જવાબદારી ઘટી છે જેના કારણે સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે. બ્રાઝિલના નેતૃત્વ હેઠળ, G-20 દેશો, જેઓ વૈશ્વિક જીડીપીમાં 80 ટકા હિસ્સો ધરાવે છે, તેઓ અતિ સમૃદ્ધ લોકો પર કર વસૂલવા પર આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રાથમિકતા આપી રહ્યા છે. બ્રાઝિલમાં G-20 દેશોના નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં આ મુદ્દા પર ચર્ચા થવાની આશા છે.
સરકારો અસમાનતાને રોકવામાં નિષ્ફળ રહી
ઓક્સફેમ ઈન્ટરનેશનલના અસમાનતા નીતિના વડા, મેક્સ લોસને જણાવ્યું હતું કે અસમાનતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે અને સરકારો નાગરિકોને તેની પ્રતિકૂળ અસરોથી બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે, સૌથી અમીર એક ટકા લોકો પોતપોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે અને બાકીના ટુકડા પર ટકી રહેવા માટે છોડી દેવામાં આવ્યા છે.
