પૂણે ડૂબી ગયું, મહારાષ્ટ્રના કેટલા જિલ્લા થયા જલમગ્ન ? જુઓ
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના પૂણેમાં તો ઘણી સોસાયટીઓ પાણીમાં જાણે ડૂબી ગઈ હતી. ગુરુવારે સેનાને બચાવ રાહત માટે ઉતારવાની ફરજ પડી હતી જેણે અનેક લોકોને બચાવ્યા હતા. એક મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું હતું. સ્કૂલ કોલેજો અને સરકારી ઓફિસો પણ બંધ રહી હતી.
મહારાષ્ટ્રના અનેક શહેરો ગુરુવારે પાણી ,પાણી થઈ ગયા હતા. પૂણેમાં વરસાદ સંબંધી ઘટનાઓમાં 4 લોકોના મોત થયા હતા. અનેક સોસાયટીઓમાં 3 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સડકો તળાવ બની ગઈ હતી. સેનાએ અનેક વિસ્તારોમાં સેકડો લોકોને બચાવ્યા હતા .થાણે, પૂણે પાલઘર, મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
મુંબઈમાં પણ બુધવાર રાત્રે જોરદાર વરસાદ રહ્યો હતો પરિણામે અનેક જગ્યાએ જલ ભરાવ થઈ ગયો હતો અને અંધેરી સબ વે બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પાલઘર થાણે સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ થઈ હતી.
એનડીઆરએફને એલર્ટ પર રાખવામાં આવી છે. પુણે, થાણે, રાયગઢ અને પાલઘરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. એકલા પુણેમાં જ વરસાદ સંબંધિત ઘટનાઓમાં 4 લોકોના મોત થયા હતા. આખું શહેર જાણે થંભી ગયું હતું.
લોકલ ટ્રેનોને અસર
મુંબઈમાં પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી હતી. મુંબઈ જતી અને આવતી એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી હતી. આ પહેલા પણ મુંબઇમાં આવી જ સ્થિતિ સર્જાઇ હતી.
મુંબઈ ; 100 મીમી વર્ષા
એરલાઈન્સે જણાવ્યું કે વિઝિબિલિટી ઘટી જવાને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. મુસાફરોને રિફંડ આપવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈમાં મોડી રાતથી સવાર સુધીમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.