૨૪ કલાકમાં શ્રીલંકાને બબ્બે ઝટકા: સ્ટાર બોલર `આઉટ’
દુષ્મંથા ચમીરા પણ ભારત સામે નહીં રમે
ભારત વિરુદ્ધ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી આવતીકાલથી શરૂ થાય તે પહેલાં જ શ્રીલંકા ટીમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. ટીમના સ્ટાર બોલર નુવાન તુષારા ઈજાગ્રસ્ત થઈ જતાં આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તુષારાને પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા થઈ છે અને સ્કેનમાં ખુલાસો થયો છે કે તેનું હાડકું તૂટી ગયું છે. આવામાં તે હવે એક પણ મેચ રમી શકે તેમ નથી. તેની જગ્યાએ ટીમમાં કોઈને સામેલ કરાયો નથી પરંતુ મોટાભાગે દિલશાન મધુશંકાને લેવામાં આવી શકે છે. નુવાન તુષારા પહેલાં દુષ્મંથા ચમીરા પણ ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. ચમીરાના ઈજાગ્રસ્ત થયાના ૨૪ કલાકની અંદર જ તુષારા પણ ઈજાગ્રસ્ત થતાં શ્રીલંકાની હાલત ખરાબ થઈ જવા પામી છે. હવે ભારત વિરુદ્ધ શ્રીલંકન ટીમને પોતાના જ ઘરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
