…તો બિલ્ડરે પચાવેલી જમીન પાછી લઈ લેશે મનપા
યુનિ.ની જમીન બિલ્ડરને પધરાવી દેવાના કારસ્તાનનો
વોઈસ ઓફ ડે'એ પર્દાફાશ કરતાં તંત્ર થયું દોડતું
પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા ટીપીના ઠરાવનું મુલ્યાંકન શરૂ: ગેરરીતિ પકડાઈ એટલે તુરંત મનપાનું બૂલડોઝર માંચડા તોડી પાડશે
ફ્લેટનું બુકિંગ લીધું હશે તો મનપા જ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ કરશે: પગલાં લેવામાં કોઈની શેહ-શરમ નહીં રખાય: સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર
રાજકોટના રૈયા વિસ્તારની ટીપી સ્કીમ નં.૧૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની જમીન ઉપર કબજો કરીને બિલ્ડિંગ બનાવવાના કારસ્તાનનો
વોઈસ ઓફ ડે’એ પર્દાફાશ કરતાં જ મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સ્તરેથી તાત્કાલિક આ મામલાની તપાસ કરી રિપોર્ટ સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ અગ્નિકાંડને કારણે અનેક પ્રકારના આક્ષેપોનો સામનો કરી રહેલા મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ પૂર્ણ કરી જરા અમથું ખોટું થયું હોય તો પણ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે બિલ્ડરે જમીન પચાવી હશે તો તેની સામે છેતરપિંડી સહિતની ફરિયાદ ખુદ મહાપાલિકા જ ફરિયાદી બનીને નોંધાવશે.
તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા યુનિવર્સિટીની જમીન ઉપર ચાલાકીપૂર્વક કબજો કરી લેવાયો હોવાનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવ્યા હતા આ મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ મામલે ગેરરીતિ થયાનું બહાર આવશે તે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને પગલાં ઉઠાવવા આડે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર કે કોઈને પણ બક્ષ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે.
અત્યારે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા જે તે સમયે થયેલા ટાઉન પ્લાનિંગના ઠરાવનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જે ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવશે અને જો તેમાં ગેરરીતિ પકડાશે એટલે તુરંત જ મહાપાલિકા પોતાની જમીન પરત મેળવીને યુનિવર્સિટીને સોંપી દેશે.
રહી વાત તે જમીન ઉપર બિલ્ડિંગ બનાવી લેવાની તો તેનું પણ ડિમોલિશન કરી નાખવામાં આવશે. અત્યારે બિલ્ડિંગમાં કોઈ રહેતું નથી પરંતુ જો બિલ્ડર દ્વારા એ જમીન પર બની રહેલા ફ્લેટનું બુકિંગ લેવામાં આવ્યું હશે તો મહાપાલિકા જ ફરિયાદી બનીને બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવશે.
લૂંટાવી દો, બધું જ પધરાવી દો: કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું !
તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા દ્વારા બિલ્ડર સાથે સાંઠગાંઠ રચીને યુનિવર્સિટીની જમીન પર કબજો મેળવી તેના પર ફ્લેટ બનાવવાનું શરૂ કર્યાનો મામલો `વોઈસ ઓફ ડે’એ ઉજાગર કર્યા બાદ કોંગ્રેસે પણ આ મામલે વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં નકલી પૈસા ઉડાડવામાં આવ્યા હતા સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, બિલ્ડર સહિતના નામના પોસ્ટર-બેનર ફરકાવાયા હતા. એકંદરે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થતાં એ-ડિવિઝન પોલીસે કાર્યકરો-નેતાઓની અટકાયત પણ કરી હતી.