બજેટ અંગે સંસદમાં શું થયું ? વિપક્ષે શું કર્યું ? વાંચો
સંસદમાં ચોમાસુ સત્રનો બુધવારે ત્રીજો દિવસ હતી. મંગળવારે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું. બુધવારે સવારે ગૃહની શરૂઆત પહેલા વિપક્ષી નેતાઓએ સંસદની બહાર કેન્દ્ર સરકારના બજેટનો વિરોધ કર્યો હતો. એમણે ભેદભાવનો આરોપ લગાવી સરકાર વિરુધ્ધ નારા લગાવ્યા હતા. સંસદની અંદર અને બહાર વિપક્ષ દ્વારા બજેટના મુદ્દે હંગામો મચાવાયો હતો. બંને ગૃહોમાં ભારે દેકારો થયો હતો અને એક તબક્કે રાજ્યસભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. આ તકે અધ્યક્ષે એમને ઠપકો આપ્યો હતો. લોકસભામાં પણ સ્પીકર ઓમ બિરલા સાથે વિપક્ષી નેતાઓએ દલીલબાજી કરી હતી. બજેટ અંગે સંસદમાં ચર્ચા શરૂ થઈ પણ વિપક્ષે ધમાલ કરી મૂકી હતી.
ખડગેએ નિર્મલાને માતાજી કહ્યા
નાણામંત્રી નિર્મલાએ કોંગ્રેસના આરોપોનો આક્રમક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તમારા શાસનમાં કેટલા બજેટમાં તમે બધા રાજ્યોના નામ લીધા હતા ? આ સાંભળીને કોંગી નેતા ખડગેએ કહ્યું હતું કે માતાજી બોલવામાં એક્સપર્ટ છે. ધાનખડે એમને કહ્યું હતું કે તમારી પુત્રી જેવા છે. કોંગીનો એવો આરોપ છે કે આંધ્ર અને બિહાર સિવાય કોઈ રાજ્યનું નામ પણ લેવાયું નથી.
ઈન્ડિયા બ્લોકના નેતાઓએ કહ્યું- આ બજેટમાંથી 90% દેશ ગાયબ છે. માત્ર બિહાર અને આંધ્રપ્રદેશને ખુશ કરવામાં આવ્યા છે, કારણ કે કેન્દ્ર સરકાર તેમના મુખ્યમંત્રીઓના આધારે ચલાવવામાં આવી રહી છે. આ બજેટ મોદી સરકાર બચાઓ બજેટ છે.
શરમ, શરમની નારાબાજી
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ બજેટને લઈને ગૃહમાં પણ હોબાળો થયો હતો. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ વોકઆઉટ કર્યો હતો. તેઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વિરુદ્ધ શરમ-શરમના નારા લગાવતા ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.
નિર્મલા ગુસ્સે થયા
વિપક્ષે બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- બજેટમાં તમામ રાજ્યોના નામ લેવાની તક નથી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ જાણીજોઈને આવા આક્ષેપો કરી રહ્યા છે જેથી લોકોને લાગે કે તેમના રાજ્યને કંઈ મળ્યું નથી. આ યોગ્ય નથી.
તે જ સમયે, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે ભાજપ લઘુમતીઓને નિશાન બનાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં એક પણ મુસ્લિમ સાંસદ નથી.